કપાસમાં પણ વૃદ્ધિ: ખરીફ પાકનું કુલ વાવેતર 9 લાખ હેક્ટર વધીને 33.91 લાખ હેક્ટર
રાજકોટ,
તા.30(ફૂલછાબ ન્યૂઝ) : ચોમાસાએ ગુજરાતમાં વીસેક દિવસથી ગતિ પકડી છે. સૌરાષ્ટ્રભરમાં
જૂન મહિનામાં આશરે 30 ટકા કરતા વધારે વરસાદ પડી જતા ખેતી ક્ષેત્રે ઉત્સાહનો સંચાર થયો
છે. ખેડૂતોએ જોશભેર વાવેતર શરૂ કરી દેતા ફટાફટ 39 ટકા વાવેતર પૂર્ણ થઇ ગયું છે. મગફળીનું
પૂરપાટ વાવેતર થઇ રહ્યું હોવાથી વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. કપાસનું વાવેતર પણ અત્યાર
સુધીનું અગાઉના વર્ષ કરતા વધારે ચાલે છે. ગયા વર્ષની માફક આ સાલ પણ મગફળીનો દબદબો છે.
કૃષિ
ખાતાએ રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે 33.91 લાખ હેક્ટરમાં ચોમાસું પાકનું વાવેતર થયું છે.
અગાઉના વર્ષમાં 24.40 લાખ હેક્ટરમાં વાવેતર હતું. અગાઉના વર્ષ કરતા 38 ટકા વધારે વાવેતર
થયું છે. વાવણીકાર્યમાં ઝડપને લીધે આમ બન્યું છે. સરેરાશ વાવેતર ગુજરાતમાં 85-87 લાખ
હેક્ટર વચ્ચે રહેતું હોય છે.
મગફળીનો
વિસ્તાર કેટલે પહોંચે છે એ આ વખતે મોટા કુતૂહલનો વિષય છે. કારણકે ખેડૂતોએ ખૂબ બિયારણ
ખરીદ્યું છે અને વાવેતર માટે પણ સજ્જ છે. રાજ્યમાં 15.44 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર
થઇ ગયું છે. જે પાછલા વર્ષમાં 9 લાખ હેક્ટર સુધી હતુ. ગયા વર્ષ કરતા 70 ટકા વધારે વાવેતર
થયું છે. હવે પાછલા વર્ષના કુલ 19.10 લાખ હેકટર કરતા માત્ર 3.66 લાખ હેક્ટર જ પાછળ
છે. આવતા સપ્તાહમાં જ 19 લાખ હેક્ટર સુધી પહોંચી જાય એવી શક્યતા છે. જો એમ થાય તો અંતિમ
વાવેતર આંકડો 22 લાખ હેક્ટર સુધી સરળતાથી આંબશે.
ગુજરાતના
મુખ્ય પાક તરીકે કપાસની પણ ગણના થાય છે.
કપાસનું
વાવેતર 13.99 લાખ હેક્ટરમાં થઇ ગયું છે. અગાઉના વર્ષે આ સમયે 12.72 લાખ હેક્ટરમાં હતું.
ગુજરાતમાં આગલા વર્ષમાં 23 લાખ હેક્ટર જેટલું વાવેતર હતુ. 10-15 ટકાનો ઘટાડો ચાલુ વર્ષે
થાય તો વાવેતર 20 લાખ હેક્ટરની આસપાસ સ્થિર થઇ જવું જોઇએ. અત્યારે વાવેતર સારું દેખાય
છે કારણકે આરંભિક આંકડાઓ છે. જોકે સવા લાખ હેક્ટર જ વધારે દેખાય છે. આગામી સપ્તાહોમાં
આગલા વર્ષનો આંકડો ઉંચે જતો રહેશે એમ માનવામાં આવે છે.
સોયાબીનનું
વાવેતર 1.20 લાખ હેક્ટર સુધી પહોંચી ચૂક્યું છે. ગયા વર્ષમાં આ સમયે વાવેતર 42 હેક્ટરમાં
હતુ. ગયા વર્ષે જૂનના અંત કરતા પોણા ત્રણ ગણો વધારો થઇ ગયો છે. સામાન્ય વાવેતર વિસ્તાર
2.62 લાખ હેક્ટર રહેતો હોય છે. સોયાબીનના વાવેતરમાં ખેડૂતોનો રસ વધ્યો છે.
તલનું
વાવેતર 4,924 હેક્ટરમાં થયું છે. અગાઉના વર્ષમાં આ સમયે 2,198 હેક્ટરમાં વાવેતર થયું
હતું. એરંડાનો વાવેતર વિસ્તાર 1621 હેક્ટર રહ્યો છે.