• રવિવાર, 03 ડિસેમ્બર, 2023

ગારિયાધારમાંથી પચ્છેગામનો ઉપસરપંચ રૂ.96 હજારની લાંચ લેતા ઝડપાયો કોન્ટ્રાક્ટર પાસે કામ કરવા દેવા માટે રૂ.3 લાખની લાંચ માગી’તી

ગારિયાધાર, તા.18 : ગારિયાધાર તાબેના પચ્છેગામ ખાતે રુપાવટી પ્રોજેક્ટ  યોજના હેઠળ વોટરશેડના કામો ઈ-ટેન્ડર દ્વારા રૂ.1પ.44 લાખના કામનો ઓર્ડર એક કોન્ટ્રાક્ટરને મળ્યો હતો અને જે કામોમાં કોન્ટ્રાક્ટરને પચ્છેગામના ઉપસરપંચ ખીમજી કાળુ વાળા દ્વારા જણાવવામાં આવેલ કે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો તેના કહ્યા મુજબ કામ કરે છે અને જો તમે મારા કહ્યા મુજબ કામ નહીં કરો તો તમારા કામોમાં ગેરરીતિ થાય છે તેમજ વ્યવસ્થિત રીતે કામ થતું નથી. તેવા ખોટા વાંધા ઉભા કરી તમારા વિરુદ્ધ ઠરાવ પસાર કરાવી તમારું કામ બંધ કરાવી દઈશ અને જો તમારે પચ્છેગામના સીમાડામાં કામ કરવું હોય તો તમારે કામના બદલામાં રૂ.3 લાખની રકમ આપવી પડશે.આથી કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ રૂ.7પ હજારની રકમ આપી હતી અને બાકીની રકમની ઉપસરપંચ ખીમજી કાળુ વાળા દ્વારા અવાર નવાર ઉઘરાણી કરવામાં આવતા કંટાળી જઈ કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને એસીબીના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું અને ગારિયાધારમાં તાલુકા સેવાસદનની સામે આઈક્રીમ-ફાસ્ટફૂડની દુકાને લાંચ લેવા આવેલા ઉપસરપંચ ખીમજી કાળુ વાળાને રૂ.96 હજારની રકમ લેતા એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીના સ્ટાફે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી મકાન અને બેંક ખાતા સંદર્ભે તપાસ હાથ ધરી હતી.