• શુક્રવાર, 01 મે, 2026

11 મેના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતમાં BRICS દેશોની હાઈ લેવલ બેઠક યોજાશે

ગાંધીનગરમાં જામશે વિશ્વના નેતાઓનો મેળાવડો, વડાપ્રધાનની હાજરીમાં મહત્ત્વપૂર્ણ મંથન થશે

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના આંગણે આવવાના છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ બની રહેશે. આ વખતે તેમનો પ્રવાસ માત્ર એક મુલાકાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક રાજનીતિ અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકને પગલે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભારતની યજમાનીમાં યોજાઈ રહેલી BRICS 2026 ની બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં આ હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 11 અને 12 મેના રોજ યોજાનારી આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના સભ્ય દેશોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ સ્તરીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક દ્વારા ગુજરાતની ક્ષમતા અને ગ્લોબલ ઇવેન્ટ્સ મેનેજમેન્ટની શક્તિ વિશ્વ સમક્ષ પ્રદર્શિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ ગુજરાત આવશે અને BRICS બેઠકમાં હાજરી આપશે. તેઓ આ વૈશ્વિક મંચ પરથી આર્થિક સહયોગ, સુરક્ષા અને ટેકનોલોજી જેવા મહત્ત્વના વિષયો પર વિશ્વના નેતાઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને રાજ્ય કેબિનેટની બેઠકમાં પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. બેઠકના સફળ આયોજન માટે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ સુરક્ષા તેમજ પ્રોટોકોલ અંગેની સમીક્ષા કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક