• શુક્રવાર, 01 મે, 2026

પોરબંદરમાં વૃદ્ધાના ઘરમાંથી 5.50 લાખના દાગીનાની ચોરી

પોરબંદર, તા.29: પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા વૃદ્ધાના ઘરેથી રૂપિયા 5.50 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 10 એપ્રિલથી 24 એપ્રિલ વચ્ચેના સમયગાળા દરમિયાન તસ્કરોએ કબાટમાંથી સોનાની માળા અને ચેન પર હાથફેરો કર્યો હતો. વૃદ્ધા શારીરિક અશક્ત હોવાથી અને સારવાર હેઠળ હોવાને કારણે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહેતો હતો, જેનો લાભ લઈને અજાણ્યા શખસો ચોરી કરી ફરાર થઈ ગયા છે. સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવીની સુવિધા હોવા છતાં આ ચોરી થતાં સુરક્ષા સામે સવાલો ઉઠયા છે. આ મામલે રાતડી ગામના રામ સુકા કેશવાલાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રામ કેશવાલા આ મકાનમાં રહેતા 60 વર્ષીય જયશ્રીબેન પરમારની દેખરેખ રાખે છે. જ્યારે તેઓ જયશ્રીબેનના ખબર-અંતર પૂછવા ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે, ઘરકામ કરતા મહિલાને પગાર આપવા માટે કબાટ ખોલતા અંદરથી દાગીના ગાયબ હતા.પોલીસે હાલ અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક