• બુધવાર, 29 એપ્રિલ, 2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં શહેરથી ગામડા સુધી કમળ ખીલ્યા

-ગ્રામ્ય સ્તરે પક્ષની સંગઠનશક્તિનો વિજય; વિપક્ષ માટે આત્મમંથનના સંકેતો આપતા ચૂંટણીના આંકડા

-પ્રકાશ જહા       

ગાંધીનગર તા.28: સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકીય ફલક પર આજે ફરી એકવાર કેસરિયો રંગ ગાઢ બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધપક્ષના સૂપડા સાફ કરી, મહાનગરપાલિકાથી લઈને છેવાડાની તાલુકા પંચાયતો સુધી પોતાનું એકચક્રી શાસન સ્થાપિત કર્યું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આંકડાઓ દર્શાવે છે કે રાજકોટ, કચ્છ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને અન્ય જિલ્લાઓમાં ભાજપને વ્યાપક જનસમર્થન મળ્યું છે.

મહાનગરપાલિકાના પરિણામોમાં રાજકોટમાં 72માંથી 65, જામનગરમાં 64માંથી 59, સુરેન્દ્રનગરમાં 52માંથી 48 અને ગાંધીધામમાં 52માંથી 40 બેઠકો ભાજપના ખાતામાં જતાં શહેરોમાં પક્ષની મજબૂત પકડ ફરી સાબિત થઈ છે. કોંગ્રેસને ગાંધીધામમાં 11, રાજકોટમાં 7, જામનગરમાં 2 અને સુરેન્દ્રનગરમાં 1 બેઠક મળતાં મુખ્ય શહેરી કેન્દ્રોમાં તે ભાજપ સામે અસરકારક ટક્કર આપી શકી નથી.

નગરપાલિકા સ્તરે પણ ભાજપે જંગી પ્રદર્શન કર્યું છે. કચ્છમાં 172માંથી 119, અમરેલીમાં 184માંથી 128, ગીર સોમનાથમાં 128માંથી 94, બોટાદમાં 68માંથી 62 અને સુરેન્દ્રનગરમાં 112માંથી 75 બેઠકો ભાજપે જીતતા નગર વિસ્તારોમાં ભગવો લહેરાયો છે. જોકે જામનગરમાં 28માંથી 16 બેઠકો કોંગ્રેસને અને 9 બેઠકો ભાજપને મળતાં અહીં વિરોધપક્ષે નોંધપાત્ર દેખાવ કર્યો છે. દેવભૂમિ દ્વારકામાં ભાજપે 28 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસે 21 બેઠકો જીતી છે.

તાલુકા પંચાયતના પરિણામોમાં પણ ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે. રાજકોટમાં 202માંથી 149, ભાવનગરમાં 210માંથી 134, સુરેન્દ્રનગરમાં 180માંથી 134, અમરેલીમાં 190માંથી 128 અને કચ્છમાં 186માંથી 104 બેઠકો ભાજપે જીતતા ગ્રામ્ય રાજકારણમાં પણ પક્ષની મજબૂત સંગઠનશક્તિ દેખાઈ છે. જામનગરમાં ભાજપે 76 બેઠકો મેળવી છે, જ્યારે ગીર સોમનાથમાં 73 અને દેવભૂમિ દ્વારકામાં 59 બેઠકો મેળવી ભાજપે પ્રદેશના તાલુકા સ્તરે પણ આગળ રહેવાનું ચિત્ર દોર્યું છે.

જિલ્લા પંચાયતના પરિણામોએ વલણને વધુ મજબૂત બનાવ્યું છે. સુરેન્દ્રનગરમાં 32માંથી 31, રાજકોટમાં 36માંથી 34, કચ્છમાં 38માંથી 29, અમરેલીમાં 34માંથી 31, ભાવનગરમાં 40માંથી 33 અને પોરબંદરમાં 18માંથી 16 બેઠકો ભાજપે જીતતા જિલ્લાસ્તરે પણ પક્ષનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. જુનાગઢમાં કોંગ્રેસને 7 બેઠકો અને જામનગરમાં 2 બેઠકો મળતાં કેટલીક જગ્યાએ તેનો અસ્તિત્વ દેખાયો છે, પરંતુ એકંદરે સૌરાષ્ટ્ર-કચ્છની સ્થાનિક સત્તા પર ભાજપનો પ્રભુત્વભર્યો કબજો નોંધાયો છે.

છેલ્લી આઠ ટર્મથી સતત વિજેતા બનતા પીઢ કોંગ્રેસી ભરતભાઈ બુધેલીયા

ભાવનગર મહાનગરપાલીકાની ચૂંટણીમાં ઉત્તર કૃષ્ણનગર-રૂવા, વોર્ડ નં.પ માં કોંગ્રેસની પેનલ ફરી સારા મતે વિજયી થઈ છે. છેલ્લી આઠ ટર્મથી ચૂંટાઈ આવતા કોંગ્રેસના પીઢ અગ્રણી ભરતભાઈ બુધેલીયા ગુજરાતના એવા ઉમેદવાર હશે જે સતત વિજયી બની લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ થયા છે. જ્યારે કોર્પોરેશનમા છેલ્લા 31 વર્ષથી ભાજપનું શાસન છે, માહોલ વચ્ચે ભરતભાઈને સફળતા માટે અભિનંદન મળી રહ્યા છે. ભરતભાઈના પિતા સજણભાઈ બુધેલીયાએ પણ નગરસેવક તરીકે તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે કાર્ય કરેલું છે.  જીતનો પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યુ હતું કે, ચાલીશ વર્ષથી પુરી નિષ્ઠા અને પ્રમાણીકતાથી અમે કામ કરી રહ્યા છીએ અને અમારા વોર્ડના લોકોનો પ્રેમ અને વિશ્વાસ મેળવ્યો છે તેને આભારી છે તથા અમારા પક્ષના દરેક કાર્યકરની મહેનત પણ તેને આભારી છે. અમે વિરોધ પક્ષમાં બેસતા હોવા છતાં અમારા વોર્ડના કામો થયા છે. લોકોની મુશ્કેલી હલ કરવા કાર્ય કર્યુ છે. અમે આગળ પણ સતત કાર્ય કરીશુ અને કોંગ્રેસને અમારા વોર્ડમાં જીતાડીશુ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક