• શુક્રવાર, 01 મે, 2026

વિપક્ષી મતોનું ‘િવભાજન’ અને ભાજપનો ‘િવજય’: સ્થાનિક ચૂંટણીનું ગણિત


હૃષિકેશ વ્યાસ

અમદાવાદ,તા.29: રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં ભાજપે 52થી 59 ટકા વોટ-શેર સાથે એક-તરફી જીત મેળવીને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી-આપ જેવા વિપક્ષનો સફાયો કરી નાંખ્યો છે. સામાન્ય દષ્ટિએ આ ચૂંટણી પરિણામ ઉપરથી આ તારણ જ સ્વાભાવિક છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીના એક તરફી પરિણામોની પાછળ એક ગર્ભિત સત્ય અને સંદેશો છૂપાયેલો છે.

આ આખા પરિણામ ચિત્રનું નિખાલસ વિશ્લેષણ કરાય તો સહેજે એક રસપ્રદ વિસંગતતા સામે આવે છે અને તે એ છે કે, આ ચૂંટણીમાં પરિણામ ભલે એક-તરફી આવ્યા હોય પણ મતદાન એકતરફી થયું નથી. જેમ કે, ભાજપના 52થી 59 ટકા વોટ શેર સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો મળીને કુલ વોટ-શેર 35-40 ટકા જેટલો રહ્યો છે એટલે મતદારો સંપૂર્ણપણે એક જ પક્ષ તરફ વળી ગયા છે એવું નથી, પરંતુ આ મત વિરોધ પક્ષ વચ્ચે વિખેરાઈ ગયો છે. આ જ વિખરાવે ચૂંટણીના અંતિમ પરિણામને નિર્ધારિત કર્યા છે અર્થાત ભાજપનો મત-વોટ એકત્રિત અને કેન્દ્રિત રહ્યો છે. જ્યારે વિરોધ પક્ષના મત-વોટ અલગ-અલગ ખાંચાઓમાં વહેંચાઈ ગયા છે. પરિણામ સ્વરુપ, વહેંચાયેલા મતોના ઓછા અંતર છતાં સંગઠિત મતદાનથી ભાજપને ફાળે વધુ બેઠકો ગઈ છે.

આ ચૂંટણીના પરિણામોનું વિષ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે, ભાજપને મહાનગરપાલિકાઓમાં 59.36 ટકા વોટ-શેર સાથે કુલ 894 બેઠકો, નગરપાલિકાઓમાં 52.51 ટકા વોટ સાથે 1618 બેઠકો, જિલ્લા પંચાયતોમાં 52.23 ટકા વોટ સાથે 840 અને તાલુકા પંચાયતોમાં 51 ટકા વોટ સાથે 3422 બેઠકો મળીને કુલ સરેરાશ 53.77 ટકા વોટ સાથે કુલ 6774 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને મહાનગરપાલિકાઓમાં 26.46 ટકા વોટ-શેર સાથે 95 બેઠકો, નગરપાલિકાઓમાં 30.68 ટકા વોટ શેર સાથે 447 બેઠકો, જિલ્લા પંચાયતોમાં 12.40 ટકા વોટ સાથે 136 અને તાલુકા પંચાયતોમાં 32.89 ટકા વોટ સાથે 1080 મળીને કુલ સરેરાશ 25.60 ટકા વોટ-શેર સાથે કુલ 1758 બેઠકો મળીને હાંસલ થઈ છે. એવી જ રીતે, આમ આદમી પાર્ટીને મહાનગરપાલિકાઓમાં 10.27 ટકા વોટ સાથે 6 બેઠકો, નગરપાલિકાઓમાં 4.89 ટકા વોટ સાથે 18 બેઠકો, જિલ્લા પંચાયતોમાં 10.27 ટકા વોટ સાથે 58 બેઠકો અને તાલુકા પંચાયતોમાં 12.67 ટકા વોટ સાથે 407 બેઠકો મળીને આમ આદમી પાર્ટીને એકંદરે સરેરાશ 09.52 વોટ-શેર સાથે કુલ 489 બેઠકો ઉપર જીત મળી છે. એનો અર્થ એ માની શકાય કે, રાજ્યમાં ભાજપના સરેરાશ 53.77 વોટ-શેરની સામે 46.23 ટકા વોટ-શેર વિરોધનો છે. જે બતાવે છે કે, ભાજપની લોકપ્રિયતા એક-તરફી નથી પરંતુ વોટની વહેંચણીને કારણે તેને મળેલી બેઠકો અને જીતનું પ્રમાણ ખૂબ વધેલું દેખાય છે.

એકંદરે આ ચૂંટણીનો સ્પષ્ટ સંકેત એ છે કે, ભાજપ પાસે ભલે 50થી 60 ટકા જેટલો વોટ-શેર છે પરંતુ 40થી 50 ટકા વોટ-શેર ભાજપની વિરુધ્ધમાં છે. અર્થાત ભૂતકાળમાં આ વિરોધી વોટ-શેર કોંગ્રેસને ફાળે જતો હતો, એટલે ભાજપને આટલી હદે એક-તરફી જીત મળતી ન હતી. પરંતુ હવે, આ વિરોધ વોટ-શેર કોંગ્રેસમાંથી વહેંચાઈ રહ્યો હોવાથી ભાજપની બેઠકો જીતવાની ક્ષમતા વધી ગઈ છે.

 

કોંગ્રેસ અને આપનો સંયુક્ત વોટ-શેર ભાજપને લડત આપવાની ક્ષમતા ધરાવે છે

 

આ પરિણામ વિશ્લેષણ સાબિત કરે છે કે, ભાજપ મહાનગરોમાં સૌથી મજબૂત છે, પંરતુ અહીં કોંગ્રેસનો 26.46 ટકા વોટ-શેર અને આપનો 10.27 ટકા મળીને કુલ 36.73 ટકા વોટ-શેર ભાજપને લડત આપવાની સ્થિતિમાં તો છે જ. એવી જ રીતે નગરપાલિકાઓમાં ભાજપના વોટ-શેર 52.51 ટકા વોટ શેરની સામે કોંગ્રેસનો 30.68 ટકા અને આપનો 4.89 ટકા મળીને કુલ 35.37 ટકા વોટ શેર ઓછો માની ન શકાય. જ્યારે જિલ્લા પંચાયતોમાં ભાજપના 52.23 ટકા વોટ સામે કોંગ્રેસના 12.40 ટકા અને આપના 10.27 ટકા મળીને કુલ 22.67 ટકા વોટ શેર છે. તાલુકા પંચાયતોમાં ભાજપના 51 ટકા વોટ સામે કોંગ્રેસનો 32.89 ટકા વોટ અને આપના 12.67 ટકા મળીને કુલ 45.56 ટકા વોટ-શેર ભાજપને ભારે લડત આપી શકે એમ છે. અર્થાત એમ કહી શકાય કે, તાલુકાઓમાં હજુ કોંગ્રેસ અને આપનો વોટ-શેર ઓછો જરુર થયો છે પણ તે સંપૂર્ણ લડત આપવાની ક્ષમતા ધરાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક