વિધવા ભાભી, બે ભત્રીજી, એક ભત્રીજા અને અન્ય એક યુવાને સાથે મળી મિલકત હડપવા કરી હતી હત્યા
પોરબંદર,તા.28:
પોરબંદરના છાંચા ચોકી વિસ્તારમાં વર્ષ 2019માં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં અદાલતે
મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. મિલકત હડપવાના બદઈરાદે એક પરિવારના સભ્યોએ ભેગા મળીને
પોતાના જ નજીકના સંબંધીનું અપહરણ કરી તેમની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હતી. ફિલ્મી
પટકથા જેવું કાવતરું રચીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિવારના
જ એક સભ્યએ સમયસૂચકતા વાપરી જીવ બચાવી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં
કિંમતી મિલકતોના લોભમાં માનવીય સંબંધો લજવાયા હતા.
આ કેસની
ગંભીરતાને ધ્યાને રાખી પોરબંદરની એડીશનલ સેશન્સ કોર્ટે સૂત્રધાર વિધવા ભાભી જ્યોતીબેન
નિલેષભાઈ જોષી, તેમના સંતાનો વિભુતિ, રવિ, અને મિત્ર યશ પાંજરીને તકસીરવાન ઠેરવ્યા
છે. ખાસ કરીને, ગુના સમયે સગીર વયની એવી મૃતકની ભત્રીજી કૃપા જોષીને પણ તેની ક્રૂરતા
જોતા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ પુખ્ત ગણીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અદાલતે
સ્પષ્ટ કર્યું કે જધન્ય અપરાધમાં ઉંમરના નામે કોઈ રાહત મળી શકે નહીં.
કોર્ટે
તમામ પાંચેય આરોપીઓને આજીવન કેદની સજાની સાથે દંડ પણ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી
રૂ. 1,00,000 ફરિયાદી હીનાબેન જોષીને વળતર પેટે ચૂકવવાનો માનવીય આદેશ કરવામાં આવ્યો
છે. સરકારી વકીલે રજૂ કરેલા મજબૂત મૌખિક અને વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે ન્યાયતંત્રે
આ સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને સમાજમાં દાખલો બેસાડયો છે કે કાયદાના શાસનમાં ગુનેગાર
ગમે તેટલો નજીકનો કેમ ન હોય, તેને તેના પાપની સજા ચોક્કસ મળે છે.