જેતપુર,
તા.29: જેતપુર નજીક આવેલા પીઠડીયા ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા એક ટિકિટ કલેક્ટર પર જીવલેણ
હુમલો થયાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક સ્કોર્પિયો કારના ચાલકે ફાસ્ટેગ દ્વારા
ટોલના નાણા કપાઈ જવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. કાર
ચાલકે કર્મચારીને જાનથી મારી નાખવાના ઈરાદે ગળે ટુપો આપી આપી શ્વાસ રુંધાય ત્યાં સુધી ગળું દબાવી રાખ્યું
હતું. સદ્નસીબે અન્ય સ્ટાફના સભ્યો દોડી આવતા કર્મચારીનો જીવ બચ્યો હતો.
આ ઘટના
અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં ભાવેશકુમાર રમેશકુમાર પરમારે આરોપી વિપુલ કાઠી (રબારીકા
વાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, ફાસ્ટેગમાંથી રૂ.35 ઓટોમેટિક
કપાઈ જતાં આરોપીએ ‘તું મને ઓળખશ?’ તેમ કહી ગાળાગાળી કરી હતી. હુમલા દરમિયાન આરોપીએ
ફરિયાદીની જાતિ પૂછીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ફરીથી લાફા મારીને જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી.
વિરપુર
પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના
કલાકોમાં જ આરોપી વિપુલ કાઠીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ આરોપીને પીઠડિયા ટોલ પ્લાઝા
પર લઈ ગઈ હતી અને ત્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા
જાળવવા માટે પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.