નોઆપાડામાં ડમી EVM રાખવાનો આરોપ,24 પરગણામાં થઈ હિંસા
કોલકાતા, તા. 29 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનાં મતદાન દરમિયાન ઘણી જગ્યાએ તણાવ અને હંગામો જોવા મળ્યો હતો. નાદિયા, પનિહાટી, ઉત્તર 24 પરગણા, હાવડા અને દક્ષિણ 24 પરગણા સહિત ઘણા વિસ્તારમાં ભાજપ-ટીએમસી અને આઇએસએફ કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ અને હિંસક ઘર્ષણ થયું હતું. વધુમાં ઇવીએમમાં ખરાબીના બનાવ બન્યા હતા. આ ઘટનાઓનાં કારણે પૂરા વિસ્તારમાં માહોલ તણાવ ભરેલો બન્યો હતો.
ઉત્તર 24 પરગણાના બારાનગર વિધાનસભા ક્ષેત્રનાં બૂથ નંબર 72મા ઇવીએમ મશીન ખરાબ થવાથી મતદાન રોકવું પડયું હતું. મતદાતાઓએ આરોપ મૂક્યો હતો કે, એક જ બૂથ ઉપર પાંચ વખત ઈવીએમ બદલાવાયું હતું પણ મતદાન શરૂ થઈ શક્યું નહોતું.
ભાજપ ઉમેદવાર અને પૂર્વ સાંસદ અર્જુન સિંહે નોઆપાડામાં એક બૂથમાં ડમી ઇવીએમ રાખવાનો આરોપ મૂક્યો હતો. વધુમાં ટીએમસી કાર્યકરો મતદાતાઓને ખાસ બટન દબાવવા મજબૂર કરતા હોવાનો આરોપ મૂક્યો હતો.
આવી જ રીતે દક્ષિણ 24 પરગણાના ફલતામાં ભાજપ ઉમેદવાર દેવાંશુ પાંડાએ ટીએમસી કાર્યકરો ઉપર ઇવીએમમાં ચેડા કરવાનો આરોપ મૂક્યો હતો. હાવડામાં ડોન બોસ્કો સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં ઇવીએમ ખરાબ થતા મતદાતા રોષે ભરાયા હતા. હંગામો વધતા કેન્દ્રીય દળોએ સ્થિતિ સંભાળી હતી.
નાદિયા જિલ્લાનાં ચાપડા ક્ષેત્રમાં ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ મિર ઉપર લોખંડના રોડથી હુમલો કરવામાં આવ્યો હતો. જેનાં પરિણામે માથામાં છ ટાંકા આવ્યા હતા.
પનિહાટીમાં આરજીકર બળાત્કાર કેસમાં પીડિતાનાં માતા અને ભાજપ ઉમેદવાર રત્ના દેબનાથને ટીએમસી કાર્યકરોએ ઘેરી લીધાં હતાં. બાદમાં પોલીસે બળ પ્રયોગ કરીને ભીડ વિખેરી હતી.
વીઆઈપી સીટ ભવાનીપુર ઉપર ભાજપ ઉમેદવાર અને ટીએમસી વર્કર્સ વચ્ચે ઘર્ષણના અહેવાલ સામે આવ્યા હતા. કહેવાય છે કે શુભેન્દુ અધિકારીએ એક પોલિંગ બૂથની મુલાકાત કરી હતી અને બહાર આવીને જયશ્રી રામના નારા લગાડયા હતા. બાદમાં ભીડે વિરોધ કરતા જય બાંગ્લાની નારેબાજી કરી હતી અને માહોલ તણાવ ભરેલો બન્યો હતો.
EVMમાં ભાજપના નિશાન ઉપર ટેપ
નવી દિલ્હી, તા. 29 : ભાજપના આઇટી સેલ પ્રભારી અમિત માલવીયએ આરોપ મૂક્યો હતો કે ફાલ્ટા સીટ ઉપર પોલિંગ બૂથમાં ઇવીએમ મશિન ઉપર ભાજપના ચિહ્ન ઉપર ટેપ લગાડી દેવામાં આવી છે. જેથી ભાજપને કોઈ મત ન આપે. આ મામલે ભાજપે ટીએમસી, સીએમ મમતા બેનરજી અને અપરાધિક છબી ધરાવતા ઉમેદવાર જહાંગીર ખાન ઉપર
નિશાન તાક્યું હતું. આ મામલે ચૂંટણી પંચ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને જે જે સ્થળોએ ઇવીએમ ઉપર ટેપ હતી તે સ્થળે ફરીથી મતદાન કરાવવા આદેશ આપ્યો હતો.