• શુક્રવાર, 01 મે, 2026

રાજકોટમાં CGST સુપ્રિન્ટેન્ડન્ટ અને કન્સલ્ટન્ટ 20 લાખની લાંચ લેતા ઝડપાયા

જીએસટી ન ભરવા અને ખોટા બિલ બનાવવાના આક્ષેપોવાળી અરજીની પતાવટ કરવા માટે

લાંચ માંગી હતી

રાજકોટ,તા.29: રાજકોટની સી.જી.એસ.ટી. કચેરીમાં જીએસટી ન ભરવા અને ખોટા બિલ બનાવવાના આક્ષેપોવાળી અરજીની પતાવટ કરવા માટે મસમોટી લાંચ માંગવામાં આવી હતી. આ મામલે મોટો કેસ ન નોંધાય તે માટે શરૂઆતમાં 25 લાખ રૂપિયાની માંગણી થઈ હતી, જે અંતે 20 લાખમાં નક્કી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક સાધ્યો હતો.

એસીબીની ટીમે રાજકોટના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા એક કોમ્પ્લેક્સમાં છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર વતી ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ ક્લોલીયાએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી. એસીબીએ તુરંત કાર્યવાહી કરી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને લાંચની પૂરેપૂરી રકમ જપ્ત કરી હતી.      

આ સફળ ટ્રેપની કામગીરી રાજકોટ શહેર એસીબીના પીઆઈ એ.એ. ખોખર અને પી.એ. દેકાવાડિયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને નાયબ નિયામક બલદેવાસિંહ વાઘેલાની સીધી દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી, જેનાથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક