કેન્દ્ર સરકારની તૈયારી : નાના પ્લાસ્ટિક પાઉચ થશે બંધ, પ્રાકૃતિક પેકિંગ વાપરવાનો વિકલ્પ અપાશે
નવી દિલ્હી, તા. 29 : કેન્દ્ર સરકારે પર્યાવરણ અને સાર્વજનિક સ્વાસ્થ્ય અંગે એક મોટું અને આકરું પગલું ભરવાની તૈયારી કરી લીધી છે. જેના હેઠળ પાન મસાલાના પેકેજિંગ બદલવામાં આવશે. હકીકતમાં કેન્દ્ર સરકારે પાન મસાલાના પેકેજિંગ ઉપર પૂરી રીતે નકેલ કસવાની તૈયારી કરી છે. જેના હેઠળ નાના પ્લાસ્ટિક પાઉચ ઉપર પૂરી રીતે રોક લાદવામાં આવી શકે છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ ઓથોરિટીએ આ દિશામાં ખાદ્ય સુરક્ષા અને માપદંડ (પેકેજિંગ) સંશોધન નિયમ, 2026નો મુસદ્દો જાહેર કરી દીધો છે. આ નવા બદલાવની સીધી અસર પાન મસાલા અને તમાકુ ઉદ્યોગ ઉપર પડવાનો છે કારણ કે સરકાર આવા ઉત્પાદનમાં પ્લાસ્ટિકના ઉપયોગને એકદમ ખતમ કરવા ઈચ્છે છે.
નવા મુસદ્દા અનુસાર પાન મસાલા અને ગુટખાને કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટમાં વેચી શકાશે નહીં. સરકારનું વલણ આ મામલે ખૂબ જ સખત છે. મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક, પોલિથીન કે પીવીસી જેવા કોઈપ સિન્થેટિક મટિરિયલનો ઉપયોગ પેકેજિંગ માટે પ્રતિબંધિત રહેશે. આટલું જ નહીં એલ્યુમિનિયમ ફોઇલમાં મળતા પેકિંગ ઉપર પણ રોકનો પ્રસ્તાવ છે. આ પ્રતિબંધ માત્ર વેચાણ સુધી સીમિત નથી. મુસદ્દા અનુસાર ઉત્પાદોના પેકિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ કોઈપણ રૂપમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકશે નહીં. સરકારનું માનવું છે કે પ્લાસ્ટિકના પાઉચ પર્યાવરણ માટે જોખમી છે અને સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ રહ્યા છે.
પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધની સામે સરકારે પ્રાકૃતિક અને રિસાઇકલ થઈ શકે તેવી સામગ્રીઓનો વિકલ્પ આપ્યો છે. જેમાં પેપર, પેપર બોર્ડ અથવા સેલૂલોઝ જેવી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત ટિનના કન્ટેનર, કાચની બોટલ અથવા ડબ્બા ઉપયોગમાં લઈ શકાશે.