ભારતનાં જીડીપી અંગે ઈવાયનાં અહેવાલમાં આપવામાં આવેલી ચેતવણી
નવીદિલ્હી,તા.29: પશ્ચિમ એશિયામાં જારી ભૂરાજકીય તનાવ જો લાંબો ખેંચાય અને પરિણામ સ્વરૂપ નાણાકીય વર્ષ 2027માં ભારતીય ક્રૂડ ઓઈલનાં બાસ્કેટ(આઈસીબી) સરેરાશ 120 ડોલર પ્રતિ બેરલનાં સ્તરે પહોંચી જાય તો ભારતીય અર્થતંત્રને ગંભીર આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કન્સલટન્સી ફર્મ ઈવાય ઈન્ડિયાએ પોતાનાં નવા અહેવાલમાં આશંકા વ્યક્ત કરી છે કે, આ પરિદૃશ્યમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર સરકીને 6 ટકા આસપાસ આવી જઈ શકે છે. આટલું જ નહીં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળાની સીધી અસર મોંઘવારી ઉપર પડશે. રિટેલ ફુગાવો 6 ટકાથી ઓછો રાખવાનાં રિઝર્વ બેન્કનાં લક્ષ્યનાં સ્તર સુધી પણ આવી જઈ શકે છે.
આ ઉપરાંત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નીતિગત હસ્તક્ષેપની ગુંજાઇશ સીમિત છે પણ વર્તમાન સ્થિતિની જોતા નીતિ નિર્માતાઓને સતર્ક રહેવાની આવશ્યકતા છે. જો ભારતીય બાસ્કેટનાં ક્રૂડ ઓઈલનાં ભાવમાં અધિક વધારો
થાય તો રેપો રેટ દરમાં સુધારા ઉપરાંત ક્રૂડની આયાતમાં પણ ઝડપી વિવિધતા લાવવી જરૂરી બની જશે. આ ઉપરાંત રાજકોષીય મોરચે પણ ચેતવણી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, રાજકોષીય ખાધ ઉપર પ્રતિકૂળ અસર ઘટાડવા માટે ઊર્જાની વધેલી કિંમતોનો બોજ રિટેલ વિક્રેતાઓ ઉપર આવશે. આ સ્થિતિને સામાન્ય થતાં હજી લાંબો સમય લાગી શકે છે.