• બુધવાર, 29 એપ્રિલ, 2026

ઉનાના ડમાસામાં સિંહે 4 વર્ષની બાળકીને ફાડી ખાધી વનવિભાગ સામે ભારે રોષ બાદ સિંહણ પાંજરે પુરાઈ

ઉના, તા. 28: ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડમાસા ગામે એક  હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી પર સિંહે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વનવિભાગની કામગીરીમાં વિલંબ થતાં સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. અંતે, હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી છે.

ડમાસા ગામના વાડી વિસ્તારમાં રહી મજૂરીકામ કરતા જીવાભાઈ પામકની પુત્રી હેમાંશી સાંજે તેની માતા સવિતાબેન સાથે ઘરની ઓસરીમાં બેઠી હતી. સવિતાબેન જ્યારે તેમના નાના પુત્રને તાવની દવા પીવડાવી રહ્યાં હતાં, તે જ સમયે અચાનક એક સિંહ ત્રાટક્યો હતો. પળવારમાં જ સિંહ બાળકીને ગળાના ભાગેથી પકડી સીમમાં ખેંચી ગયો હતો. ગ્રામજનોએ એકઠા થઈ શોધખોળ હાથ ધરતા સિંહ બાળકીને છોડીને ભાગી ગયો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે હેમાંશીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બાળકીના મોત બાદ વનવિભાગની ટીમ વિલંબથી પહોંચતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. રસ્તામાં વાહનોના અવરોધને કારણે વનવિભાગનું વાહન ઘટનાસ્થળ સુધી પહોંચી શક્યું નહોતું. પરિણામે, વનકર્મીઓ અને ગ્રામજનોએ બાળકીના મૃતદેહને ઝોળીમાં નાખીને લાંબા અંતર સુધી પગપાળા લઈ જવો પડયો હતો. લોકોના ભારે વિરોધ અને ઉગ્ર રજૂઆત બાદ વનવિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવ્યા હતા. ઘટનાના આશરે ચાર કલાક બાદ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક