વડાપ્રધાને
હરદોઈમાં 37,350 કરોડના ખર્ચે નિર્મિત 594 કિ.મી. એક્સપ્રેસ-વેનું લોકાપર્ણ કર્યું
હરદોઈ,
તા. 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તરપ્રદેશના હરદોઈમાં પ્રદેશના સૌથી લાંબા
ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરતાં સભાને સંબોધનમાં એલાન કર્યું હતું કે એક્સપ્રેસ-વેને
હરિદ્વાર સાથે પણ જોડાશે. ઉત્તરપ્રદેશમાં પણ બંગાળને યાદ કરતાં વડાપ્રધાને કહ્યું હતું
કે, બંગાળમાં થયેલું બમ્પર મતદાન દાયકાઓમાં અમે નથી જોયું.
વિપક્ષો
પર પ્રહાર કરતાં મોદી બોલ્યા હતા કે, સપા વિકાસ અને નારીવિરોધી છે. વધુ એકવાર દેશે
તેમનો નારીવિરોધી ચહેરો જોયો છે. આ લોકોએ નારીશક્તિ વંદન સુધારા વિરુદ્ધ મત આપ્યો.
એ પહેલાં
વડાપ્રધાને એક્સપ્રેસ-વેના કિનારે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
સાથે પગે ચાલ્યા હતા. આ એક્સપ્રેસ-વે 37,350 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ વર્ષમાં તૈયાર
થયો છે. એ જોતાં એક કિલોમીટરમાં ખર્ચ લગભગ 62 કરોડ 87 લાખ રૂપિયા થઈ ગયો છે.
મેરઠને
પ્રયાગરાજથી જોડનાર 594 કિ.મી. લાંબા એક્સપ્રેસ-વેના કારણે 12 કલાકના સ્થાને આ અંતર
માત્ર છ કલાકમાં કાપી શકાશે.
વડાપ્રધાને
કહ્યું હતું કે, આ માત્ર હાઈસ્પીડ રોડ નથી, પરંતુ નવાં સ્વપ્નોનો ગેટવે છે, જેનું નામ
મા ગંગાનાં નામ પર રાખવાની ખુશી છે.