રિકલ્ટનના
10 ચોક્કા અને 8 છક્કાથી અણનમ 123 રન
મુંબઇ
તા.29: આફ્રિકી બેટર રિયાન રિકલ્ટનની વિદ્યૃતવેગી અણનમ સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ
વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં પ વિકેટે 243 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.
રિયાન રિકલ્ટન મુંબઈ ઇન્ડિયન્સની ઈનિંગનો એન્કર મેન બની રહ્યો હતો. તેણે પહેલી ઓવરથી
લઇને છેલ્લી ઓવર સુધી મુંબઇની રન રફતાર વધારી હતી. રિયાન રિકલ્ટને મુંબઇ ઇન્ડિયન્સ
તરફથી આઇપીએલ ઇતિહાસનો સર્વાધિક અંગત સ્કોર બનાવ્યો હતો. તે પપ દડામાં 10 ચોક્કા અને
8 છક્કાથી 123 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલા એમઆઇ તરફથી 2008 સીઝનમાં સનથ જયસૂર્યાએ
અણનમ 114 રન કર્યાં હતા. મુંબઇ ઇનિંગમાં 14 છક્કા અને 21 ચોક્કા લાગ્યા હતા.
સનરાઇઝર્સના
બોલર સામે હલ્લાબોલ કરીને મુંબઇએ પાવર પ્લેમાં વિના વિકેટે 78 રન કરી ઝડપી શરૂઆત કરી
હતી. રિકલ્ટન અને વિલ જેકસ વચ્ચે પહેલી વિકેટમાં 43 દડામાં 93 રનની ભાગીદારી થઇ હતી.
જેકસ 22 દડામાં પ ચોક્કા-3 છક્કાથી 46 રને આઉટ થયો હતો. સૂર્યકુમાર (પ)ની નિષ્ફળતા
ચાલુ રહી હતી. નમન ધીરે 22 રનનું યોગદાન આપ્યું હતું. કપ્તાન હાર્દિક પંડયાએ 1પ દડામાં
31 રનની કેમિયો ઈનિંગ રમી હતી. તિલક 19મી ઓવરમાં ક્રિઝ પર આવ્યો હતો અને 7 રને આઉટ
થયો હતો. અંતિમ બે દડામાં છક્કો અને ચોક્કો ફટકારી રિકલ્ટને મુંબઇનો સ્કોર 243 રને
પહોંચાડયો હતો. સનરાઇઝર્સ તરફથી પ્રફૂલ્લ હિંગેને 2 વિકેટ મળી હતી.