• શુક્રવાર, 01 મે, 2026

રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ વિવાદમાં

ડ્રેસિંગ રૂમમાં ઇ-સીગારેટ ફૂંકતો કેમેરામાં કેદ

BCCI દ્વારા કડક કાર્યવાહીની સંભાવના

નવી દિલ્હી, તા.29: આઇપીએલના મંગળવારના મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો 24 વર્ષીય કેપ્ટન રિયાન પરાગ એક વિવાદમાં ફસાયો છે. આ મેચ ન્યૂ ચંદિગઢ ખાતે રમાયો હતો અને જેમાં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 6 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં રાજસ્થાનનો કપ્તાન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપ (ઇ-સિગારેટ)નો ઉપયોગ કરતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનાને લીધે રિયાન પરાગ પર બીસીસીઆઇ કઠોર કાર્યવાહી કરી શકે છે. જો કે હજુ સુધી બીસીસીઆઇ કે આઇપીએલ સંચાલન પરિષદ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

આ ઘટના રાજસ્થાનની ઈનિંગની 16મી ઓવર વખતની છે. ત્યારે બ્રોડકાસ્ટરે કેમેરામાં કેટલીક એવી ક્ષણો કેદ કરી લીધી હતી જેમાં પરાગ ઇ-સીગારેટનો ઉપયોગ કરતો હોય તેવું જોવા મળે છે. ઇ-સીગારેટનો ભારતમાં પ્રતિબંધ છે અને તેના ઉપયોગ વિશે બીસીસીઆઇએ કોઇ નિયમ જાહેર કર્યાં નથી. જો કે ડ્રેસિંગ રૂમમાં કે ડગઆઉટમાં તમાકુ અથવા તેના સંબંધિત ઉત્પાદનોનું સેવન કરવા પર સખત પ્રતિબંધ છે. જેનો રિયાન પરાગે ભંગ કર્યોં છે. આથી તેના પર કડક કાર્યવાહી તોળાઇ રહી છે. તેના પર મેચ ફીનો અથવા તો એક-બે મેચનો પ્રતિબંધ મુકાઇ શકે છે.

રાજસ્થાન રોયલ્સ ટીમ વર્તમાન આઇપીએલ સીઝનમાં સારો દેખાવ કરી રહી છે અને 9 મેચમાંથી 6 જીત સાથે 3 નંબર પર છે. આ સામે તેના કપ્તાન રિયાન પરાગ સતત ખરાબ દેખાવ કરી રહ્યો છે. સીઝનનો તેનો સર્વાધિક સ્કોર 29 રન છે. જે કાલના પંજાબ સામેના મેચમાં કર્યોં હતો. રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંડર 10 એપ્રિલે ગુવાહાટીમાં ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાયા હતા. આ પછી તેમના પર 1 લાખનો દંડ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક