• બુધવાર, 29 એપ્રિલ, 2026

મુંબઈમાં પહેલગામ જેવો હુમલો: ધર્મ પૂછ્યો અને ચાકૂના ઘા માર્યા બે સિક્યોરિટી ગાર્ડસ બન્યા નિશાન: એટીએસને આતંકી હુમલાની શંકા

મુંબઈ, તા.28 : મુંબઈના મીરા રોડ પર સુરક્ષા કર્મચારીઓ પર કાશ્મીરના હિચકારા પહેલગામ હુમલા જેવા થયેલા હુમલાથી ચકચાર મચી છે. નયા નગર વિસ્તારમાં એક યુવકે બે સલામતી રક્ષકને તેમનો ધર્મ પૂછ્યો હતો અને તે પછી ચાકુથી હુમલો કર્યો હતો. અચાનક બનેલી ઘટનાથી વિસ્તારમાં ભય ફેલાયો હતો. આરોપીની ઓળખ 31 વર્ષીય જૈબ જુબેર અન્સારી તરીકે કરવામાં આવી છે. ઘટના વહેલી પરોઢે ચાર વાગ્યે બની હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આરોપી જેહાદના નામે હિન્દુઓને નિશાન બનાવવા માગતો હતો.

પોલીસ અનુસાર, નિર્માણાધીન ઈમારત પાસે રાજકુમાર મિશ્રા અને સુબ્રતો રમેશ સેન નામના બે સિક્યોરિટી ગાર્ડસ ફરજ પર હતા તે વખતે આરોપી ત્યાં આવ્યો હતો અને મસ્જિદનું સરનામું પૂછ્યું હતું. થોડા સમય પછી તે ફરી ત્યાં આવ્યો હતો.

તેણે એક ગાર્ડનો ધર્મ પૂછ્યો હતો અને અચાનક ચાકૂથી હુમલો કરી દીધો હતો. આ પછી તે કેબિનમાં ઘૂસ્યો હતો અને બીજા ગાર્ડને કલમા પઢવાનું કહ્યું હતું. ગાર્ડ તેવું ન કરી શકતાં તેના પર પણ તેણે હુમલો કરી દીધો હતો. બંને ઈજાગ્રસ્ત ગાર્ડ હોસ્પિટલમા સારવાર હેઠળ છે. આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કરાતાં તેને ચોથી મે સુધી પોલીસ કસ્ટડીમાં મૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો.સીએમ ફડણવીસે ઘટનાની નિંદા કરી હતી. મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસ ઘટનાને આતંકવાદી હુમલો માની રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક