CBIને મહત્વની સફળતા ઃ બેન્કિંગ ચેનલોનો દુરુપયોગ કરીને આચર્યુ હતું મોટું કૌભાંડ
નવી દિલ્હી, તા.2ઃ બેન્કિંગ અને આર્થિક છેતરપિંડીનાં એક મોટા કેસમાં સીબીઆઈને મહત્ત્વની સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર આરોપી કમલેશ પારેખને યુએઈથી ભારત પ્રત્યાર્પિત કરી લેવાયો છે. તેને તા.1 એટલે કે શુક્રવારે ભારત લઈ અવાયો હતો અને દિલ્હી પહોંચતા જ તેને સીબીઆઈની કસ્ટડીમાં લઈ લેવાયો હતો.
આ કાર્યવાહી વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે સંકલનમાં કરવામાં આવી હતી. પારેખ વિરુદ્ધ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હતી અને તેનાં આધારે જ યુએઈમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ભારતનાં અધિકૃત અનુરોધ અને બન્ને દેશ વચ્ચેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારતીય એજન્સીઓને તેની સોંપણી કરી દેવામાં આવી હતી.
કમલેશ પારેખ ઉપર મોટાપાયે બેન્કિંગ અને નાણાકીય છેતરપિંડીનો આરોપ છે. આ કૌભાંડમાં દેશની અનેક બેન્કોનાં સમૂહને ભારે નુકસાન થયું હતું. આશંકા છે કે, આ કૌભાંડમાં સેંકડો કરોડ રૂપિયાનો દુરુપયોગ કરવામાં આવ્Îો હતો.
સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું હતું કે, પારેખે અન્ય પ્રમોટરો અને ડિરેક્ટરો સાથે મળીને બેન્કમાંથી લીધેલા ભંડોળને વિદેશમાં સ્થિત કંપનીઓ મારફત અન્યત્ર વાળી લીધા હતાં. આનાં માટે ફર્જી નિકાસનાં કાગળ, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને બેન્કિંગ ચેનલોનાં દુરુપયોગ કર્યા હતાં.