• રવિવાર, 03 મે, 2026

આજે ગુજરાતની નજર જીતની હેટ્રિક ઉપર

અજેય રથ રોકાયા બાદ પહેલી વખત મેદાનમાં ઉતરશે પંજાબ કિંગ્સ : સાંજે 7.30થી મુકાબલો

અમદાવાદ, તા. 2 : ગત મેચમાં પંજાબ કિંગ્સનો વિજયરથ થંભી ગયો છે અને હવે સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્રતિબદ્ધ ગુજરાત ટાઇટન્સ સામે રવિવારે અમદાવાદમાં 7.30થી રમાનારા મેચમાં ફરીથી પોતાના અભિયાનને ટ્રેક ઉપર લાવવાની કોશિશ કરશે.

રાજસ્થાન રોયલ્સે સપ્તાહની શરૂઆતમાં પંજાબ કિંગ્સના અજેય અભિયાન ઉપર રોક મૂકી દીધી હતી. તેમ છતાં પંજાબ કિંગ્સની ટીમ આઠ મેચમાં 13 પોઇન્ટ સાથે ટેબલમાં શીર્ષ સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ  બેંગલોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પંજાબથી માત્ર એક પોઇન્ટ પાછળ છે. આવી સ્થિતિમાં પંજાબ ઉપર દબાણ રહેશે. સતત છ જીત મેળવીને શરૂઆતી બઢત બનાવનારી પંજાબની ટીમમાં બોલિંગને લઈને સમસ્યા છે. પંજાબના બેટ્સમેનોની જેમ બોલિંગમાં નિરંતરતા રહી નથી. મહત્ત્વપૂર્ણ વળાંકે બોલિંગની કમજોરી ટીમ ઉપર ભારે પડી શકે છે.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સ સતત બે મેચ જીતીને જીતની હેટ્રીક લગાડવા મેદાનમાં ઉતરશે. જો કે ગુજરાતની સફર ભારે ઉતારચડાવ ભરેલી રહી છે. ચેન્નઈ અને આરસીબી સામે સતત જીત બાદ ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં 10 અંક સાથે પાંચમા ક્રમાંકે છે. ગુજરાતની બેટિંગ શીર્ષ ત્રણ બેટ્સમેન સુદર્શન, ગિલ અને જોસ બટલરની આસપાસ રહે છે. જેના ઉપર વધુ પડતી નિર્ભરતા ચિંતાજનક છે. શાહરુખ ખાન અને તેવટિયા જેવા ફિનિશર હજી સુધી પ્રભાવ છોડી શક્યા નથી. ટીમને સંતુલન આપવા મધ્ય ક્રમમાં હોલ્ડર સામેલ કરવામાં આવ્યો છે અને તેણે આરસીબી સામે જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક