• શનિવાર, 02 મે, 2026

ગુજરાતને એપ્રિલમાં GSTની વિક્રમી આવક

ગુજરાત સ્થાપના દિવસે ખુશખબર : કર સંગ્રહમાં ઉછાળો

અમદાવાદ, તા. 1: રાજ્યના અર્થતંત્ર માટે એપ્રિલ-2026 નો મહિનો ઐતિહાસિક સાબિત થયો છે. રાજ્ય સરકારે જીએસટી અમલીકરણ પછીની સૌથી વધુ માસિક આવક મેળવીને એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે. ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ આ વર્ષે જીએસટી આવકમાં અધધ 44 ટકાનો વધારો નોંધાયો છે. રાષ્ટ્રીય સરેરાશ કરતા રાજ્યનો ગ્રોથ પાંચ ગણો વધારે રહ્યો છે.

જ્યાં એક તરફ રાષ્ટ્રીય સ્તરે જીએસટી આવકનો સરેરાશ ગ્રોથ 8.7 ટકા રહ્યો છે, ત્યાં રાજ્યએ 44 ટકાના ગ્રોથ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિમાં અને વેપાર ઉદ્યોગમાં નોંધપાત્ર તેજી આવી છે.જીએસટી આવકમાં ઐતિહાસિક વૃદ્ધિ થઈ છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં રાજ્યની જીએસટી આવક રૂ.6,901 કરોડ હતી, જે આ વર્ષે વધીને રૂ.9,916 કરોડ પર પહોંચી છે. આ રૂ.3,015 કરોડનો સીધો વધારો રાજ્યની મજબૂત ટેક્સ કમ્પ્લાયન્સ અને આર્થિક રિકવરી તરફ ઈશારો કરે છે.

રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા એમ તમામ ત્રોતો મળીને કુલ રૂ.13,703 કરોડની માતબર આવક થઈ છે.

નિષ્ણાતોના મતે, ટેક્સ સામેની કડક કાર્યવાહી અને ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં થયેલા વધારાને કારણે આ રેકોર્ડબ્રેક આવક શક્ય બની છે. આ વધારાથી રાજ્ય સરકારને જનકલ્યાણના કામો અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે મોટું પ્રોત્સાહન મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક