જૂનાગઢ, તા.2:જૂનાગઢના એક યુવાન સાથે વર્ષ 2019માં થયેલા જમીન સોદામાં રૂપિયા એક કરોડથી વધુની છેતરાપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભલગામ ખાતે આવેલી જમીન ખરીદવા માટે યુવાને પૂરેપૂરા નાણાં ચૂકવી દીધા હોવા છતાં, સામા પક્ષે ખોટા વાંધા-વચકા ઊભા કરી દસ્તાવેજ કરી આપ્યો ન હતો. જમીન માલિકોએ સરકારી કચેરીઓમાં ખોટી અરજીઓ કરી દસ્તાવેજની પ્રક્રિયા અટકાવી દીધી હતી અને નાણાં પણ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે બે મહિલા સહિત ત્રણ શખસો વિરુદ્ધ છેતરાપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કેસની
વિગત મુજબ, જૂનાગઢના પ્રદીપ માલદેભાઈ દિવરાણિયાએ અમદાવાદ રહેતા નિર્મળ પુંજાભાઈ વાળા,
ઉર્મિલાબેન વાળા અને રાજેશ્વરીબેન બસિયા પાસેથી સર્વે નંબર 182 વાળી જમીન ખરીદી હતી.
આ સોદામાં એક ભાગીદાર ભગીરથ બસિયાએ પોતાના હિસ્સાની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો,
પરંતુ બાકીના ત્રણ આરોપીઓએ ટાઈટલ ક્લિયરન્સમાં અવરોધ ઊભા કર્યા હતા. આરોપીઓએ કલેક્ટર
કચેરીમાં ખોટી વાંધા અરજીઓ કરી નોંધ રદ કરાવી હતી. આખરે દસ્તાવેજ કે નાણાં ન મળતા પ્રદીપભાઈએ
બીલખા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.