• રવિવાર, 03 મે, 2026

વીમા ક્ષેત્રે 100% વિદેશી રોકાણનાં દરવાજા ખુલ્યા

LICમાં 20 ટકાથી વધુ વિદેશી રોકાણ નહીઃ વીમા ક્ષેત્રને ખુલ્લું મૂકવા છતાં નિયમન અને ઘરેલુ નિયંત્રણ સુનિશ્ચિત કરવા નિયમો જાહેરનામું જારી

 

 

નવીદિલ્હી,તા.2 કેન્દ્ર સરકારે ભારતનાં વિમા ક્ષેત્ર માટે એક મોટું એલાન કર્યુ છેહવે ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે હવે કોઈપણ વિદેશી કંપની ઈચ્છે તો ભારતનાં વિમા ક્ષેત્રની કોઈપણ કંપનીમાં 100 ટકા રોકાણ કરીને પૂરેપૂરી હિસ્સેદારી ખરીદી શકશે. જેનાં માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

સુધારેલી નીતિ અંતર્ગત હવે વિદેશી રોકાણકાર ઓટોમેટિક રીતે ભારતમાં 100 ટકા હિસ્સેદારી મેળવી શકશે અને તેમાં પ્રવેશ સંબંધિત અવરોધો ઘટશે તથા મૂડીમાં પણ વધારો થશે. જો કે એલઆઈસી માટે આમાં નિયમો અલગ રાખવામાં આવ્યા છે. એલઆઈસીમાં 20 ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ એવો થાય કે કોઈપણ વિદેશી કંપની એલઆઈસીમાં 20 ટકાથી વધુ રોકાણ નહીં કરી શકે. એટલે કે એલઆઈસીનું નિયંત્રણ અન્ય કોઈ દેશ કે કંપનીનાં હાથમાં સરકશે નહીં.

નીતિગત સુધારો વિમા કાનૂન અનુસાર કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ વિમા છત્ર વધારવા અને ક્ષેત્રમાં મૂડીનો આધાર મજબૂત બનાવવાનો છે. કાયદાની મોટાભાગની જોગવાઈઓ ફેબ્રુઆરી 2026થી લાગુ થઈ ગઈ છે. જો કે વિમા ક્ષેત્રને વિદેશી મૂડી રોકાણ માટે ખુલ્લું મૂકવા છતાં નિયામક નિરીક્ષણ અને ઘરેલું નિયંત્રણ નિશ્ચિત કરવા માટે વિદેશી રોકાણવાળી વિમા કંપનીમાં કમસેકમ એક ભારતીય નિવાસી નાગરિકને ચેરમેન, એમડી કે સીઈઓ જેવા પદ ઉપર નિયુક્ત કરવાં અનિવાર્ય કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદેશી હિસ્સેદારીમાં કોઈપણ વધારાને રિઝર્વ બેન્ક દ્વારા ફેમાનાં નિયમો હેઠળ દિશાનિર્દેશોનું પાલન પણ કરવાનું રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક