• શનિવાર, 02 મે, 2026

પ્રેમ સંબંધના મનદુ:ખમાં બાઢડાના યુવકની હત્યા કરનાર બે આરોપી ઝડપાયા

અમરેલી, તા.1: સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતા એક યુવકની પ્રેમ સંબંધની અદાવતમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક એક પરિણીત મહિલાને સુરતથી ભગાડી ગયો હતો, જેનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. ગત 28 અને 29 તારીખ દરમિયાન યુવકને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ યુવકની લાશને બાઢડાની એક હાઈસ્કૂલ પાછળ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ તેજ કરવામાં આવી હતી.

અમરેલી એલ.સી.બી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં આ ગંભીર ગુનામાં સંડોવાયેલા વિજય ઉર્ફે રાકેશ નકુમ અને અમિત હડીયા નામના બે આરોપીઓને ઝડપી પાડી સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપ્યા છે. જોકે, આ હત્યાના કેસમાં હજુ પણ અન્ય બે શખસ તરુણ બાંભણિયા અને બિપિન કલસરિયા ફરાર છે, જેમને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ ઘાતકી હત્યાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક