• શનિવાર, 02 મે, 2026

ખંભાળીયા- દ્વારકા રોડ પર હાબરડી પાટીયા પાસે અકસ્માત બેનાં મૃત્યુ

ત્રણ ગંભીર, અન્ય પાંચને ઇજા

જામ ખંભાળીયા તા.1: ખંભાળીયા દ્વારકા રોડ પર મણીપુર હાબરડીના પાટિયા પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા એક વિપ્ર વૃદ્ધ અને પ્રૌઢાના મૃત્યુ નિપજતા વિપ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.

દ્વારકા તાલુકાના ખતુંબા ગામે રહેતા ખીમજી વાલજી જોશી ઉવ.65 વાળા બીમાર હોય સારવાર માટે જામનગર ગયા હતા. જ્યાં તેમની તબિયત સારી થતા મણિપુર તેમના સાળા જામનગરના રહેવાસી મનસુખ માવજી થાકરના કુળદેવી સિંધવી માતાજીના મંદિરે હવનમાં ભાગ લેવા ખીમજીભાઈ જોશી તથા તેમના સાળા મનસુખ માવજી ઠાકર તેમના પત્ની મંજુબેન મનસુખ ઠાકર ઉવ.48 તથા મનસુખભાઇ પુત્ર અક્ષય ઉ.વ.30 તથા તેમની પુત્રી દ્રષ્ટિ ઉ.વ.20 વાળા પાંચ વ્યક્તિઓ અલ્ટો કાર લઈને જામનગરથી મણિપુર હાબરડી જતા હતા. ત્યારે હાબરડીના પાટિયા પાસે અન્ય એક કારે ઠોકર મારતા અલ્ટો કાર ઉછળીને ડીવાઇડરની દીવાલ સાથે અથડાતા ખીમજી વાલજી જોશી તથા મંજુબેન માવજી ઠાકરનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણને વધુ સારવાર માટે ખંભાળીયા હોસ્પિટલમાં ખસેડયા હતા.  બે બ્રાહ્મણ પરિવારના વ્યક્તિઓના મૃત્યુના બનાવમાં કરુણતા છે કે મૃતક ખીમજીભાઈ હોસ્પિટલમાંથી સાજા થઈને માતાજીના હવનમાં ભાગ લેવા તેમના સાળા સાથે જતા હતા અને તેમના સાળાના પત્ની મંજુબેન હવનમાં ભાગ લેવા જતા હતા, બન્નેના મૃત્યુ થયા. 108ના મુખ્ય અધિકારી દિપકભાઇ ધાનાણા દ્વારા તુરંત જ 108ની ટીમ મોકલી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા. સામેની કારમાં પણ પાંચેક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક