• રવિવાર, 03 મે, 2026

અમેરિકાની કોઈપણ મૂર્ખતાનો જવાબ આપવા સેના તૈયાર : ઈરાન

ટ્રમ્પે કહ્યું, પાગલનાં હાથમાં પરમાણુ શત્ર જવા દઈ શકાય નહીં

નવીદિલ્હી, તા.2: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તનાવમાં રોજ નવા ઉતાર-ચઢાવ જોવા મળે છે અને બન્ને વચ્ચે મડાગાંઠ વધુને વધુ જટિલ બનતી જાય છે. આમાં હવે હાલત ફરી વણસીને યુદ્ધ ભડકાવે તેવી આશંકા બળવત્તર બની ગઈ છે. ઈરાની સેનાએ કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલ સામે ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે છે.

ઈરાની સેનાનાં અધિકારી મોહમ્મદ જાફર અસાદીએ કહ્યું હતું કે, અમેરિકા કોઈપણ સમજૂતીનું પાલન કરતું નથી. અમેરિકાનાં અધિકારીઓનાં નિવેદન માત્ર દેખાડાનાં હોય છે. તે મીડિયા મારફત બધું બરાબર હોવાનું દેખાડવા માગે છે, જેથી ક્રૂડ ઓઈલનાં ભાવ નીચા ન જાય અને તે આ સ્થિતિમાંથી નીકળી શકે. તેમણે આગળ ઉમેર્યુ હતું કે, ઈરાનની સેના પૂરી રીતે તૈયાર છે અને જો કોઈ હુમલો થાય તો તેનો જવાબ આપવામાં આવશે. તેમણે આક્રમકતા દેખાડીને કહ્યું હતું કે, અમેરિકા જો કોઈ મૂર્ખતા કરે તો ઈરાનની સેના તેનો જવાબ આપવા માટે તૈયાર છે.

ઈરાનની આ પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટનો નવો પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો છે. ટ્રમ્પે ઈરાન માટે એવી શરતો રાખી છે જે ઈરાન કોઈપણ હિસાબે સ્વીકારી શકે તેમ નથી. દરમિયાન એક કાર્યક્રમમાં ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી આપતાં કહ્યું હતું કે, કોઈ પાગલનાં હાથમાં પરમાણુ હથિયાર જવા દઈ શકાય નહીં એટલા માટે જ અમેરિકા આ જંગમાં છે. તેમણે દોહરાવ્યું હતું કે, ઈરાનને પરમાણુ શત્રો મેળવતા રોકવું અનિવાર્ય જ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા અમુક સમયથી વાતચીતની કોશિશ થઈ રહી છે પણ તેમાં સફળતા મળી રહી નથી. પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાની દોડધામ કરવામાં આવી હતી પણ ઈરાને સ્પષ્ટ કહી દીધું હતું કે તેને પાકિસ્તાન ઉપર ભરોસો નથી કારણ કે પાકિસ્તાન અમેરિકા સામે બોલી શકતું નથી. આવી સ્થિતિમાં ફરી ધમકીઓનો દોર શરૂ થયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક