• રવિવાર, 03 મે, 2026

સરકારી જમીન અપાવવાના નામે ખેડૂતો સાથે કરોડોની છેતરાપિંડી

પોરબંદર,તા.2: પોરબંદરના બગવદર વિસ્તારમાં સરકારી જમીન પોતાના નામે કરાવી આપવાની લાલચ આપીને ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરાપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને કેટલાક શખ્સોએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને રાજકોટના મુંજકા પાસેની સરકારી જમીન અપાવવાના બહાને મોટી રકમ પડાવી લીધી હતી. આ મામલે પીડિત ખેડૂતોએ પોલીસનો સંપર્ક કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

બગવદરના બિલડી સીમમાં રહેતા ખેડૂત પોપટભાઈ ઉર્ફે પરબતભાઈ ખુટીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રશિક માલકીયા અને અન્ય લોકોનું નામ આપતા જણાવ્યું હતુકે આરોપીઓએ તેમની પાસેથી 14.50 લાખ રૂપિયા અને અન્ય સાહેદો પાસેથી મળીને કુલ 2 કરોડ 35 લાખ 82 હજાર 300 રૂપિયાની છેતરાપિંડી આચરી છે. આરોપીઓએ એવી ખાતરી આપી હતી કે તેઓ સચિવાલયમાં વગ ધરાવે છે અને મુંજકાની સરકારી જમીન ખેડૂતોના નામે કરાવી આપશે. લાંબો સમય વીતવા છતાં જમીન નામે ન થતા અને નાણાં પરત ન મળતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ ઠગાઈના કેસમાં જસદણના છાશિયા અને રેવાણિયા ગામના ત્રણ શખ્સો સામે બગવદર પોલીસ મથકમાં આઈ.પી.સી. મુજબ વિશ્વાસઘાત અને છેતરાપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં પણ તપાસ લંબાવી છે. સરકારી કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને આચરવામાં આવેલા આ મોટા કૌભાંડથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક