• રવિવાર, 03 મે, 2026

KKR સામે આજે હૈદરાબાદનો પડકાર

રચિન રવીન્દ્રનાં નામ ઉપર સવાલ : હૈદરાબાદ જીતની લય જાળવી રાખવા મહેનત કરશે

હૈદરાબાદ, તા. 2 : આઇપીએલની વર્તમાન સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન કરનારી કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થવાનો છે. સનરાઇઝર્સે ખરાબ શરૂઆત બાદ વાપસી કરી છે અને વર્તમાન સમયે શીર્ષ ચાર ટીમમાં રહેવાની દાવેદારીમાં આગળ છે. સનરાઇઝર્સની ટીમ સતત પાંચ મેચ જીતી ચૂકી છે અને પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે છે. તેણે અત્યારસુધીમાં છ મેચ જીત્યા છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડયો છે. હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેનો મુકાબલો બપોરે 3.30 વાગ્યાથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

હૈદરાબાદ માટે મજબૂત પક્ષ હંમેશાં બેટિંગ રહી છે. સનરાઇઝર્સ પાસે ટૂર્નામેન્ટમાં અત્યારસુધીમાં સર્વાધિક રન કરનારા બેટ્સમેનની યાદીમાં બીજા અને ત્રીજાં સ્થાને રહેલા અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન છે. ઈશાન કિશન પણ પોતાના દમ ઉપર મેચ બદલી શકે છે. આ ઉપરાંત ટ્રાવિસ હેડે પણ ગયા મેચમાં મુંબઈ સામે 76 રન કરીને ફોર્મમાં શાનદાર વાપસી કરી છે.

બીજી તરફ કેકેઆરએ 2025માં નિરાશાજનક પ્રદર્શન બાદ પણ અજિંક્ય રહાણેને કેપ્ટન જાળવી રાખ્યો છે તેમ છતાં હજી સુધી ટીમને આગળ લઈ જઈ શક્યો નથી. તેવામાં કેકેઆર રચિન રવીન્દ્રને સામેલ કરશે કે કેમ તેવો સવાલ થઈ રહ્યો છે. ફિન એલન અને ટિમ સીફર્ટ આશા ઉપર ખરાબ ઉતર્યા નથી. અંગકૃષ રઘુવંશી, કેમરન ગ્રીન અને રોવમેન પોવેલ જેવા ખેલાડીઓ પણ અપેક્ષીત પ્રદર્શન કરી શક્યા નથી. કેકેઆરનું બોલિંગ આક્રમણ નબળું પડી રહ્યું છે. બોલિંગમાં ટીમ અનુકુલ રોય, વૈભવ અરોડા અને કાર્તિક ત્યાગી જેવા ઘરેલુ ખેલાડીઓ ઉપર નિર્ભર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક