બેન્ક છેતરપિંડીનાં કેસમા મુખ્ય આરોપી હોવા છતાં અનિલની ધરપકડ કરાઈ ન હોવાની દલીલ
નવી દિલ્હી, તા.1: અનિલ ધીરુભાઈ
અંબાણી ગ્રુપ અને તેની કંપનીઓ સાથે જોડાયેલા કથિત બેન્ક છેતરપિંડીનાં કેસમાં સુપ્રીમ
કોર્ટમાં સુનાવણી દરમિયાન અત્યાર સુધી અનિલ અંબાણીની ધરપકડ શા માટે કરવામાં આવી નથી
તેવા સવાલનો જવાબ આપવાનો સરકારે ઈનકાર કરી દીધો હતો.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું
હતું કે, અરજદારનાં કેટલાક સવાલોનો જવાબ આપી ન શકાય. અરજદારનો સવાલ છે કે, અનિલ અંબાણીની
ધરપકડ શા માટે કરવામાં નથી આવી પણ કોઈનાં વિશે પણ આ પ્રકારનાં સવાલનો જવાબ ન આપી શકાય.
આ પહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત
ભૂષણે કહ્યું હતું કે, આ કેસમાં ઈડીએ અનેક કર્મચારીની ધરપકડ પણ કરી લીધી છે પણ અનિલ
અંબાણી આમાં મુખ્ય આરોપી હોવા છતાં હજી તેની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે સુનાવણી
8મી મે સુધી મુલત્વી રાખી દેવામાં આવી છે.