દેશવિરોધી ઝેર ઓકતી પોસ્ટ કરનારો લોડાઇનો શખ્સ જબ્બે : દોરી સંચાર કોનો, પગેરું દબાવાશે : પોલીસવડા વિકાસ સુંડા
ભુજ, તા. 2 : આતંકવાદી સંગઠન
આઇએસઆઇએસની વિચારધારાના સમર્થક અને લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરી દેશના સાર્વભૌમત્વને
નુકસાન પહોંચાડનારા લોડાઇના ફકીર મામદ ઇસા ગગડાને પોલીસે ઝડપી પાડયો છે. આ નાપાક કારસ્તાન
પાછળ કોનો દોરીસંચાર છે તે અંગે પગેરું દબાવવાની તજવીજ પોલીસે આદરી છે.
કચ્છ સરહદી જિલ્લો હોવાથી દેશની
સુરક્ષાને લઇને અતિ સંવેદનશીલ અને મહત્ત્વનું ક્ષેત્ર છે, આથી આ વિસ્તારમાં દેશવિરોધી
પ્રવૃત્તિ પર સતત ચાંપતી નજર સુરક્ષા એજન્સી અને પોલીસની રહે છે. આ વચ્ચે છેલ્લા ચારેક
વર્ષથી સામે પારના આંતકવાદી સંગઠન આઇએસઆઇએસની વિચારધારાને સમર્થન આપી લોકોને ગેરમાર્ગે
દોરતા વીડિયો, લખાણ, ફોટો પોસ્ટ કરી ભારત દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં
મૂકતી પોસ્ટ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં વાયરલ કરનારા ભુજ તાલુકાના
લોડાઇના 32 વર્ષીય યુવાન ફકીરમામદ ઇસા ગગડાને એસઓજીએ ઝડપી પાડયો હતો.
આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લાના
પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ પત્રકારોને વિગતો આપી હતી. દેશના સાર્વભૌમત્વ અને એકતા
- અખંડિતતાને જોખમમાં મૂકતા આ બનાવને લઇ પોલીસ અત્યંત ગંભીર હોવાનું જણાવી ઝડપાયેલા
ફકીર મામદ પાછળ કોનો દોરીસંચાર છે તે અંગે સઘન તપાસ આદરાશે અને આ નાપાક પાછળનું પગેરું
દબાવવાની તજવીજ થશે તેવું તેમણે જણાવ્યું હતું.
ફકીર મામદના કબજામાંથી મળેલા
મોબાઇલને તપાસતાં તેમાં ફકીર મામદે અલગ-અલગ નામના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના એકાઉન્ટ
બનાવ્યા હતા, જેમાં દેશવિરોધી ઝેર ઓકતી પોસ્ટ તે કરતો હતો. એસઓજીના પી.આઇ. એ.ડી. પરમાર,
એમ.આર. શકોરિયા, પી.એસ.આઇ. ડી.બી. વાઘેલા, આર.એલ. ચૌધરી, ટી.બી. રબારી તથા એસ.ઓ.જી.નો
સ્ટાફ જોડાયો હતો. પદ્ધર મથકે આરોપી ફકીર મામદ
ગગડા વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ
પણ કચ્છમાંથી પાકિસ્તાન સાથે તાણાવાણા ધરાવતા શખ્સો તેમજ દેશવિરોધી પ્ર્રવૃત્તિ કરનારા
ઇસમો ઝડપાઇ ચૂકયા છે. અઢી દાયકા પૂર્વે મૌલાના અઝહર મસૂદના ભારતવિરોધી ઝેર ઓકતા ભાષણોની
કેસેટો અને પોસ્ટરો પણ કચ્છના અંતરિયાળ ક્ષેત્રમાં ફરતા જોવા મળી ચૂકયા છે, ત્યારે
દેશની સુરક્ષાને લઇ કચ્છમાં આવી ગતિવિધિઓ પર સતત ચાંપતી નજર રહે તે અત્યંત જરૂરી છે.