જનરક્ષક પ્રોજેકટના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ સાથે વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું
અમદાવાદ, તા.31 : રાજ્યમાં બનતા
અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ
ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે
નવતર અભિગમ દાખવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ
વિભાગ દ્વારા ‘ડાયલ 112 જનરક્ષક પ્રોજેકટ’ તેમજ ગુજરાત પોલીસના નવનિર્મિત મકાનો તથા
પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી
પ્રકલ્પોનો આજે શુભારંભ-લોકાર્પણ કર્યું હતું.
ડાયલ 112 જનરક્ષક પ્રોજેકટ અંતર્ગત
અદ્યતન કોલ સેન્ટર અને 500 જનરક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇપ્રુવમેન્ટ
પ્રોગ્રામ હેઠળ નવીન 534 જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન-લોકાર્પણ કરવામાં
આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિકાત્મકરૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની
ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ.217
કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન-રહેણાંક મકાનોનું પણ ઈ-લોકાર્પણ તેમજ દેશમાં
પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં
આવેલ આઈએસ-15700 સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે
112નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી
હવે મુક્તિ મળશે, માત્ર-112 એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા
હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે. સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત
જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગની દિશામાં મહત્વના
કદમ ઉઠાવ્યા છે. જનરક્ષક 112નો આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલરૂમ અમદાવાદમાં 150
કર્મચારીઓ 24 બાય 7 સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે.
શાહે આ પ્રસંગે રૂ.217 કરોડના
ખર્ચે જેલ, હોમગાર્ડના કર્મીઓ માટે રહેણાંક અને બિનરહેણાંક મકાનોનું ઈ-લોકાર્પણ કરતાં
કહ્યું હતું કે, પોલીસ કર્મીઓને આપેલો કોલ વડાપ્રધાને સારી રીતે નિભાવ્યો છે. આગામી
31 માર્ચ-2026ના દિવસે સમગ્ર દેશમાંથી નકસલવાદ સમાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-112નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે
સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું ગણાવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ
આજના દિવસને ગુજરાતની સલામતી અને સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક દિવસ ગણાવીને કહ્યું
હતું કે, આજથી હવે રાજ્યના નાગરિકોએ તમામ ઇમર્જન્સી સેવાના નંબરને બદલે માત્ર એક જ
નંબર 112 ડાયલ કરવાનો રહેશે.