• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

સુરતમાંથી નકલી વિઝા બનાવતી ફેકટરી ઝડપાઈ

એક વિઝા સ્ટીકર બનાવાના 15 હજાર લેવાતા : 700 જેટલા નકલી સ્ટીકર બનાવ્યાં 

સુરત, તા.2: સુરતના અડાજણ વિસ્તારમાંથી પીસીબી અને એસઓજી પોલીસની ટીમે નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ સહિતના દેશોના 5 નકલી વિઝા સ્ટીકરો મળ્યા છે. આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચવામાં આવતા હતા. 10 વર્ષના સમયગાળામાં 700 જેટલા નકલી સ્ટીકર બનાવ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. એક સ્ટીકર બનાવવાના રૂ. 15 હજાર વસૂલવામાં આવતા હતા.

આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ છ એજન્ટને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે શ્રીજી નગરી સોસાયટી નજીક આવેલી સમોર રેસિડેન્સીના ફ્લેટ નંબર-202માં પ્રતીક ઉર્ફે અભિજિત નિલેશ શાહ બોગસ વિઝા સ્ટીકર્સ બનાવી તેના એજન્ટ મારફત લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રતિકને ઝડપી પાડી તેના ઘરેથી અલગ-અલગ દેશનાં વિઝા સ્ટીકર-5, વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ-8, ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો-1, પેપર કટર-2, યુવી લેઝર ટોર્ચ-2, એમ્બોઝ મશીન-1, કોર્નર કટર મશીન-2, યુરોપ દેશના હોલમાર્કવાળા મોટા પેપર-46, કેનેડા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-73, યુરોપ દેશના હોલમાર્કવાળા નાના પેપર-107, મેસેડોનિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-172, સર્બિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-243, યુકે દેશના હોલમાર્કવાળા મોટા પેપર-42, મોબાઈલ ફોન, કલર પ્રિન્ટર-2,લેપટોપ-1 મળી કુલ રૂ.1,30,000નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક