• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

રીબડામાં અનિરુદ્ધાસિંહના સમર્થનમાં કાલે શક્તિ પ્રદર્શન

ગુજરાતના ખૂણે-ખૂણેથી રાજપૂત-ક્ષત્રિયો એકઠા થશે

‘એકતા પરમો ધર્મ’ના નામે સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટથી ચકચાર

ગોંડલ, તા.3: સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર ગોંડલના તત્કાલીન ધારાસભ્ય સ્વ. પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં આરોપી રીબડાના અનિરુદ્ધાસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફ કરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટે રદ કરી તેમને 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરન્ડર કરવા હુકમ કરતા ફરી એક વખત સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. એવામાં અનિરુદ્ધાસિંહ જાડેજાની સજા માફી રદ કરવા સામે આગામી તા. 5 સપ્ટેમ્બરને શુક્રવારનાં રોજ બપોરે બે વાગ્યે રીબડા ખાતે શક્તિ પ્રદર્શન કરવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે.  

ગોંડલના ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની 37 વર્ષ પહેલા 15મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન સરાજાહેર થયેલી હત્યાના ગુનામાં રીબડાના અનિરુદ્ધાસિંહ મહિપતાસિંહ જાડેજાને જે-તે વખતે સુપ્રીમ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા બાદ 18 વર્ષ પછી ગુજરાત સરકાર અને જેલ તંત્ર દ્વારા અનિરુદ્ધાસિંહ જાડેજાને આઠ વર્ષ પહેલા આપવામાં આવેલી સજા માફીને સ્વ. પોપટભાઇ સોરઠિયાના પૌત્રએ કાનૂની પડકાર આપતા પહેલા હાઇકોર્ટ અને ગઇકાલે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધાસિંહ જાડેજાને તા. 18મી સુધીમાં જેલમાં સરન્ડર કરવા આદેશ આપ્યો છે. હવે આ મામલો રાજકીય અને સામાજિક સ્વરૂપ પકડી રહયો હોય તેમ સોશિયલ મીડિયામાં નામ વગરની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે અને આ પોસ્ટમાં સજા માફી રદ કરવા સામે સવાલો ઉઠાવાયા છે.

એકતા પરમો ધર્મના નામે વાયરલ કરવામાં આવેલી આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રીબડા ફોર જસ્ટીસ..તા. 5 સપ્ટેમ્બર 2025, શુક્રવાર, બપોરે 2.00 કલાકે ગામ રીબડા, તા. ગોંડલ, જી. રાજકોટ. સ્વયંભૂ ઉપસ્થિતિ..ચાલો રીબડા.

આ અંગે આયોજક પૈકી અમદાવાદના સામાજિક કાર્યકર અતુલભાઈ દવેએ જણાવ્યુ કે અનિરુદ્ધાસિંહનાં આજીવન કેદનાં હુકમમાં કેટલાક ટેકનિકલી વિષયો અધૂરા રહ્યા છે. તે વિષયોની સંમેલનમાં છણાવટ કરી સરકારનાં ધ્યાને મુકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક