રાજકોટ, તા.31 : ગુજરાતમાં ચોમાસું બેસ્યાને ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે. ગઈકાલ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે, પરંતુ 141 ડેમમાં ગત વર્ષ જેટલો જ જળસંગ્રહ થઈ ચુક્યો છે. ઓગષ્ટના અંત સુધીમાં સૌરાષ્ટ્રના ડેમોની કૂલ જળસંગ્રહ ક્ષમતાની સામે અત્યાર સુધીમાં 80 ટકા પાણી આવી ચૂક્યું છે.
સૌરાષ્ટ્રના 141 ડેમમાં 2024માં
30 ઓગસ્ટે 81 ટકા જળસંગ્રહ થયો હતો. જ્યારે આ વર્ષે 80.42 ટકા જળસંગ્રહ થયો છે. જો
કે, 2024માં 76 ડેમ સંપૂર્ણ ભરાયા હતા તેની સામે આ વર્ષે 56 ડેમ જ ભરાયા છે. જેમાં
રાજકોટ જિલ્લામાં જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા 615.37 મિલીયન ક્યુબિક મિટર સામે
470.54 મિલીયન ક્યુબિક મિટર અર્થાત 76.46 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. ભાવનગર જિલ્લામાં
ડેમોની જળસંગ્રહ ક્ષમતા સામે 98.73 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. પોરબંદર જિલ્લાના જળાશયોમાં
95 ટકા અને બોટાદ જિલ્લાના જળાશયોમાં 91 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. અમરેલી જિલ્લામાં
ડેમોની જળસંગ્રહ ક્ષમતા સામે 81.54 ટકા, દેવભૂમિ દ્વારકામાં 69.46 ટકા, ગીર સોમનાથમાં
85.81 ટકા, જામનગર જિલ્લામાં 63.85 ટકા, જૂનાગઢ જિલ્લામાં 82.02 ટકા,મોરબી જિલ્લામાં
69.28 ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં 79.06 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.