• મંગળવાર, 01 જુલાઈ, 2025

જૂનાગઢ ફેરવાયું ‘ખાડાગઢ’માં : પ્રજાજનો પારાવાર પરેશાન

કુદરતી પાણીના વહેણ સાંકડા અને અદ્રશ્ય : તંત્રએ ચોમાસાનો પ્રારંભ થયો છતાં જેસીબીથી માર્ગો ખોદવાનું બંધ કર્યુ નથી

કેટલાક સ્થળે ખોદેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાય છે ત્યાં અકસ્માતની સંભાવના વધી

જૂનાગઢ, તા.27: નરસૈયાની નગર જૂનાગઢ “ખાડાગઢ’’માં ફેરવાયું છે. મહાનગરમાં સારો માર્ગ શોધવો મુશ્કેલ છે. ઢાલ કાચબાની પીઠ જેવા માર્ગોથી નગરજનો પારાવાર પરેશાન છે. તેમાં છતાં મનપા તંત્રના પેટનું પાણી હલતું નથી. વરસાદી પાણીનો નિકાલ બંધ થતા ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ભરાઇ છે, પણ કોઇ જોનાર કે ફરિયાદ સાંભળનાર નથી.

જૂનાગઢમાં ભૂગર્ભગટ્ટરની કામગીરી શરૂ થતા જ માર્ગોની પનોતી બેઠી છે. છેલ્લા ત્રણ વર્ષથી માર્ગોને ખોદવામાં આવે છે, કામ પૂર્ણ થવા બાદ પેવર તો ઠીક યોગ્ય પેચવર્ક ન થતા આજે માર્ગો ખાડામાં ફેરવાયા છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે શેરી-ગલ્લી, મહોલ્લા તમામ સ્થળે સમાન સ્થિતિ છે.

મહાપાલિકામાં 60 કોર્પોરેટરો છે તેમાં શાસક ભાજપના 48 તથા કોંગ્રેસના 11 અને એક અપક્ષ છે. આ કોઇ કોર્પોરેટરો માર્ગ મુદ્દે બોલતા નથી. રહેણાંક કે કોમર્શીયલ વિસ્તારમાં બિસમાર માર્ગો છે. આ ખાડા માર્ગોથી આબાલ, વૃધ્ધ સૌ દુ:ખી છે. મહાપાલિકા તંત્રએ પ્રજાની પરવા છોડી વિકાસના  ચશ્મા પહેર્યા હોય તેમ સતાવાર ચોમાસાનો પ્રારંભ થયો છતાં જેસીબીથી માર્ગો ખોદવાનું બંધ કર્યુ નથી. પરિણામે કેટલાક સ્થળે ખોદેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાય છે ત્યાં અકસ્માતની સંભાવના વધી ગઇ છે.

ઐતિહાસિક નગરીની પ્રતિષ્ઠાને બિસમાર માર્ગોએ છબી બગાડી છે. ચોમાસામાં ખાડા પુરવા ‘મોરમ’ના ઠેર ઠેર ઢગલા ખડકી દીધા છે. માર્ગો ઉપરના ખાડા પુરવા મોરમની સાથે મોટી કાંકરીઓ ઠાલવી ખાડા પુરાતા નાના વાહનો સ્લીપ થવાના બનાવો વધી ગયા છે. જ્યારે શહેરમાં વરસાદી પાણીના નિકાલ બંધ થતા એક-બે ઇંચ વરસાદમાં જ શહેરના એમ.જી. રોડ, તળાવ દરવાજા, રેલવે સ્ટેશન, દોલતપરા, ઝાંઝરડા અંડરબ્રિજ, થાણા રોડ, જેવા માર્ગો બંધ થઇ જાય છે અને મનપામાં પાણી ભરાવાની થોકબંધ ફરિયાદો ઉઠતા પાણી નિકાલ માટે રાત ઉજાગરા કરવા પડે છે.

જૂનાગઢમાં કુદરતી પાણીના વહેણ સાંકડા અને અદ્રશ્ય થઇ ગયા છે. ક્યાંક તો વહેણ ઉપર સ્લેબ ભરી તેના ઉપર દુકાનો, રસ્તાઓ બની ગયા પણ મનપા તંત્રની આંખે પાટા હોય તેમ દેખાતુ નથી. આવી સ્થિતિ જૂનાગઢ શહેરની ઉભી થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક