• મંગળવાર, 01 જુલાઈ, 2025

અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કરોડોના વ્યવહાર, ફરિયાદ નોંધાઇ

            ગ્રામ પંચાયતના દાખલામાં પણ છેડછાડ કરી

મોરબી, તા.27: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા યુવાનના નામે વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ એક્સીસ બેંકમા કરંટ ખાતું ખોલાવી મોરબીના રવાપર રોડ ઉપર રહેતા શખસે છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા જમા ઉધાર કરી નાખ્યા હોવાની ફરિયાદ યુવાને નોંધાવી છે. યુવકને ઈન્કમટેક્સની ભરપાઈ કરવા નોટિસ મળતા તપાસ કરતા પોતાના નામે બારોબાર બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક ક્રાંતિજ્યોત પાર્કમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાજોદ ગામના વતની નિકુંજભાઈ હિંમતલાલ જાવિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે વર્ષ 2015- 16મા લાલપર નજીક શક્તિ ચેમ્બરમાં આવેલ આરોપી આમીનભાઈ શાહબુદીનભાઈ રહેમાણી રહે.રવાપર રોડ મોરબી વાળાની એબીસી સિરામિક નામની પેઢીમાં કામ કરતો હતો ત્યારે આમીનભાઈને કોઈની સાથે ઝઘડો થતા અજાણ્યા માણસોએ ઓફિસમાં તોડફોડ ક2તા પોતે નોકરી મૂકી દીધી હતી. જો કે, ફરિયાદીના પાસપોર્ટ, સહિતના ડોજ્યુમેન્ટ આમીનભાઈની ઓફિસમાં જ પડયા રહયા હોય નોકરી મુક્યા બાદ એલ મહિના પછી ડોક્યુમેન્ટની જરૂર પડતા નિકુંજભાઈ ઓફિસેથી પરત લાવ્યા હતા.

બીજી તરફ વર્ષ 2021માં નિકુંજભાઈને વર્ષ 2017 - 18નું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા નોટિસ આવતા નિકુંજભાઈએ પોતાના મિત્ર એવા સીએ મારફતે તપાસ કરતા નિકુંજભાઈના નામે ગોપાલ એજન્સી નામની પેઢી ખોલવામાં આવી હોવાનું અને આ પેઢીનું વાંકાનેર ચંદ્રપુર એક્સીસ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલી સાડા ત્રણ કરોડથી વધુના વ્યવહાર થયાનું સામે આવ્યું હતું. સાથે જ ત્રાજપર ગ્રામ પંચાયતના દાખલામાં છેડછાડ કરી નિકુંજભાઈનું નામ લખી બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોય બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં પોતાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી રીતે ખાતું ખોલાવી કરોડોનાએ વ્યવહાર કરનાર આરોપી આમીનભાઈ રહેમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક