સ્કૂલ તંત્રએ તરત પોલીસે જાણ કરી : પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી
(ફૂલછાબ
ન્યુઝ)
વડોદરા,
તા.23: વડોદરા શહેરમાં ફરી એકવાર બોમ્બની ધમકીથી ખળભળાટ મચ્યો છે. શહેરના સમા વિસ્તારમાં
આવેલી નવરચના સ્કૂલને અજાણ્યા ઇસમે ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
મહત્વનું એ છે કે આ સ્કૂલને આ રીતે ધમકી મળવાનો આ સતત બીજો બનાવ છે, જેના કારણે ભયનો
માહોલ છવાઈ ગયો છે.
મળતી
માહિતી મુજબ, ધમકી મળતાની સાથે જ સ્કૂલ તંત્રએ તરત પોલીસે જાણ કરી હતી ત્યારબાદ પોલીસ
બળ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાની
ગંભીરતાને ધ્યાને રાખીને તંત્રએ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી
હતી. જેથી કોઈ પ્રકારની જાનહાનિ ન થાય. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સ્કૂલ પરિસરમાં
ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. દરેક રૂમ, ખુલ્લા મેદાન અને સ્કૂલની આસપાસના વિસ્તારનો તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને
તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, તેમ છતાં પોલીસ તપાસ ચાલુ છે. આ ઘટનાને લઈ વાલીઓમાં
પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ આ સ્કૂલને આ પ્રકારની ધમકી
મળેલી, પરંતુ તે સમયે પણ પોલીસની તપાસ બાદ કશું શંકાસ્પદ મળ્યું નહોતું. સતત ધમકીઓના
બનાવોથી વાલીઓ તેમજ સ્કૂલ સ્ટાફમાં પણ ભયનો માહોલ છે. પોલીસ ધમકી આપનારને પકડવા માટે
ટેકનિકલ અને સાયબર સેલની મદદ લઇ રહી છે.
ડીસીપી
ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલમાં બોમ્બ
મુકાયાનો એક ઇ-મેલ મળ્યો હતો અને એમાં દર્શાવાયું હતું કે સ્કૂલમાં બોમ્બ મુકવામાં
આવ્યો છે અને સ્કૂલમાં બપોરે 2 વાગ્યા સુધીમાં એ બોમ્બ ફાટી જશે. એને પગલે બોમ્બ-સ્ક્વોડ
અને ડોગ-સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.