પોલીસે ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખસ સામે હત્યાનો ગુનો નોંધ્યો
(ફૂલછાબ
ન્યુઝ)
જામનગર,
તા.23: જામનગરમાં નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટી વિસ્તારમાં રહેતા 43 વર્ષના એક યુવાનની
ધોળે દહાડે હત્યા નીપજાવાઈ હતી, જે હત્યાના બનાવ અંગે પોલીસે નજીકમાં જ રહેતા બે શખસો
સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.
જામનગરમાં
નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટીમાં રહેતા મિલન હેમતભાઈ પરમાર નામના 43 વર્ષ યુવાન પર તા.23ની
બપોરે બારેક વાગ્યાના અરસામાં કોઈ શખસ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવાઈ
હતી. બનાવ બાદ આસપાસના લોકોએ 108ની ટીમને બોલાવાઈ હતી અને તેઓએ ઈજાગ્રસ્ત યુવાનને મૃત
જાહેર કરતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
ઘટનાની
જાણ પોલીસને થતા શહેરના ડીવાયએસપી જે.એન.ઝાલા, સીટી બી ડિવીઝનના પી.આઈ. પી.પી.ઝા તેમજ
સ્ટાફના મુકેશસિંહ રાણા, સલીમભાઈ વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ
શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાનના ભાણેજ યસ ગોહીલે જણાવ્યું
હતું કે, નજીકના વિસ્તારમાં જ રહેતા મયુર ગોહીલ અને તેની સાથેના સંજય નામના સાગરીતે
મિલન પરમાર પર હુમલો કરી હત્યા નીપજાવી છે.
પોલીસની
વિશેષ પુછપરછમાં જણાવ્યા અનુસાર મૃતક યુવાનની પત્ની દક્ષા કે જેને છુટાછેડા આપી દીધા
બાદ તે આરોપી મયુર ગોહીલ સાથે છેલ્લા કેટલાક સમયથી રહેતી હતી. ત્યારથી મૃતક યુવાન અને
મયુર ગોહીલ સાથે તકરાર ચાલતી હતી. આજે સવારે મૃતક યુવાને પોતાની પુર્વ પત્ની સાથે વાતચીત
કરી હોવાથી આરોપીને પસંદ આવ્યું ન હતું. તિક્ષ્ણ હથિયાર સાથે પોતાના સાગરીતને લઈને
મૃતકને ઘેર ધસી આવ્યો અને હુમલો કરી દીધો. પોલીસે યશ હસમુખ ગોહીલની ફરિયાદના આધારે
આરોપી મયુર ગોહીલ અને સંજય સામે ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓ હાલ ભાગી છુટયા હોવાથી
તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે.