સૌરાષ્ટ્રમાં 5 જિલ્લાના 20 ડેમમાં 20 ફૂટ સુધી નવા નીરની આવક, 55 ડેમ સાઇટ ઉપર આઠ ઇંચ સુધી વરસાદ : સરદાર સરોવરમાં 50 ટકાથી વધુ પાણી આવ્યું
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.23 : ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘમહેર થઇ છે ત્યારે રાજ્યમાં
સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના
વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કલાઘોડા, ભાવનગરના
રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશય સંપૂર્ણ એટલે કે 100 ટકા
ભરાયા હોવાથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશય 70થી 100 ટકા વચ્ચે
ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના રાજકોટ,
મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના 20 જળાશયમાં 20 ફૂટ સુધી નવા નીરની
આવક નોંધાઇ છે. કુલ 82 પૈકી 55 ડેમ સાઇટ ઉપર છેલ્લા 24 કલાકમાં આઠ ઇંચ સુધી વરસાદ નોંધાયો
હતો. જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. તાલાલા તાલુકાના કમલેશ્વર ડેમમાં
અડધો ફૂટ નવું પાણી આવ્યું છે.
જામનગર
શહેર-જિલ્લામાં મેઘરાજાએ 24 કલાકમાં જ પાણીનું ચિત્ર બદલી નાંખ્યું છે. મોસમના પ્રથમ
વરસાદમાં જ 25માંથી 23 જળાશયમાં એકથી ચાર ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને
શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ જતાં શહેરીજનોમાં ખુશી પ્રસરી છે.
ઉપરાંત વાગડિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. અન્ય પાંચ જળાશય સપડા, વિજરખી, ફૂલજર-2,
રૂપાવટી અને કોટડાબાવીસી ડેમ 70થી 80 ટકા ભરાઈ ગયા છે. જેને લઈને ઈરીગેશન વિભાગે પાંચેય
ડેમના નિચાણવાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા સૂચના આપી છે. રણજીતસાગર ડેમ
ઓવરફ્લો થઈ જવાથી રંગમતી નદી સુધી પાણી આવી પહોચ્યું હતુ. ઉપરાંત ઉંડ અને સસોઈ ડેમમાં
પણ બે-બે ફૂટ નવા નીર આવ્યા છે.
રાજકોટ
જિલ્લાનો ભાદર-2 ડેમ ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને છલકાઈ ગયો છે. ડેમનો એક દરવાજો એક
ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભાદર નદી ગાંડીતૂર બની છે. ડેમમાં
1315 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.
સરદાર
સરોવર સહિત રાજ્યના 207 જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.12 ટકા પાણી
સંગ્રહાયેલુ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા.23 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયમાં
38.26 ટકા જળ સંગ્રહ હતો. વધુમાં સૌરાષ્ટ્રના 141 જળાશયમાં સૌથી વધુ 48.15 ટકા જળ સંગ્રહ,
મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 43.80 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.03
ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 33.10 ટકા તેમજ
કચ્છના 20 જળાશયમાં 28.72 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર
સહિત રાજ્યના 25 જળાશય 50થી 70 ટકા વચ્ચે, 61 જળાશય 25થી 50 ટકા વચ્ચે જ્યારે 82 જળાશય
25 ટકાથી ઓછા ભરાયા છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં
16 હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં
13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.