ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ
રાજકોટ,
તા. 22: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તારીખ ર3મીથી
ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા 3 જુલાઈ સુધી ચાલશે. જેમાં
રાજકોટના 13 હજાર મળી રાજ્યના 1.95 લાખ વિદ્યાર્થી નોંધાયા છે.
પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તે
વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય પરંતુ પરિણામ સુધારવા
ઇચ્છતા હોય તે વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપશે. જેમાં અગાઉ લેવાયેલી નિયમીત અને કાલથી
શરૂ થતી પૂરક પરીક્ષામા બેમાંથી જે પરીક્ષામાં વધારે માર્કસ આવ્યા હોય તે પરિણામ ફાઈનલ
ગણવામાં આવશે.
બોર્ડની પૂરક પરીક્ષા બોર્ડની નિયમિત પરીક્ષાની જેમ
જ લેવામાં આવશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ત્યાર બાદ પરીક્ષાનો
સમય પણ નિયમિત બોર્ડની પરીક્ષાના સમયની જેમ જ રહેશે. સંપૂર્ણ પરીક્ષા સીસીટીવી કેમેરાના
મોનિટારિંગ હેઠળ લેવામાં આવશે. આ પરીક્ષામાં પણ ગેરરીતી કરતા વિદ્યાર્થીઓ પકડાશે તો
તેની સામે કોપી કેસ કરવામાં આવશે.
રાજકોટમાં
ધોરણ 10માં 5235, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3946 અને વિજ્ઞાન પ્રવાહમાં 3766 મળી
12947 વિદ્યાર્થી આ પરીક્ષામાં નોંધાયા છે. જેમના માટે કુલ 30 બિલ્ડિંગમાં 261 બ્લોકમાં
પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય
છે કે બોર્ડની નિયમીત પરીક્ષાની જેમ જ આ પૂરક પરીક્ષા રાખવામાં આવી છે. અમદાવાદમાં 51 બિલ્ડિગમાં 19 હજારથી
વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે રાજ્યભરના ધોરણ 10 અને 12ના મળીને કુલ 1.95
લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે. નાપાસ થયા હોય તે અને પાસ થયા હોય તે વિદ્યાર્થીઓ
પણ પોતાનું પરિણામ સુધારવા માટે એક બે અથવા તો તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.