ઓએનજીસી કંપનીના કર્મચારી મહિલાને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખ આપી ‘ફોન બંધ થઈ જશે’ કહી બેંકમાંથી તફડંચી
રાજકોટ,
તા. 22: મોબાઈલમાં ફોન કરીએ ત્યારે ફોન રિસીવ થાય તે પહેલા ગ્રાહકને ડિજીટલ એરેસ્ટની
ઠગાઈથી બચવા સાવચેત કરવામાં આવે છે. આમ છતાં લોકો ચીટરોની જાળમાં ફસાઈ જાય છે. અમદાવાદમાં
રહેતા ઓએનજીસી કંપનીના મહિલા કર્મચારીને ઠગ ટોળકીએ ટ્રાઈના અધિકારી તરીકે ઓળખ આપી ડિજીટલ
એરેસ્ટ કરી કટકે કટકે તેમના બેંક ખાતામાંથી 1.36 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી લીધી
હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની મોડેથી જાણ થતા છેવટે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
હતી.
ગોતામાં
રહેતા 51 વર્ષીય મહિલા ઘગઋઈમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. 31 મેના રોજ તેમના
મોબાઈલમાં ટ્રાઈના અધિકારી તરીએ ઓળખ આપતો ફોન આવ્યો હતો જેમાં તમારો ફોન બે કલાકમાં
બંધ થઈ જશે, એમ કહી ડરાવ્યા હતા.
બાદ મહિલાને એક વોટ્સએપ વીડિયો કોલ આવ્યો જેમાં પોલીસનો
યુનિફોર્મ પહેરીને એક વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારીની આપી કહ્યું હતું કે, કેનેરા બેંકમાં બે કરોડ જેટલી બ્લેક મની છે જેમાં તમારું
આધાર કાર્ડ લિંક બતાવે છે. તમે આ બ્લેક મનીમાં સામેલ છો. જેથી તમે સંપૂર્ણ વિગત લખાવી
દેજો ત્યાર બાદ મહિલાને ફોન કરી તેમની સામે વિરોધમાં એરેસ્ટ વોરંટ હોવાનું કહ્યંy હતું.
બાદમાં
ચીટરોએ તમારો મોબાઈલ અમારા ટ્રેકમાં જ રહેશે, તમારા ઘરમાં કોઇને આવવા દેવાના નહીં અને
તમારે ક્યાંય જવું હોય તો અમને પૂછીને જ જવાનું, કોઈનો પણ ફોન રિસીવ કરવાનો નહીં એમ
કહી ઘરમાં કેટલા મેમ્બર છે તેની માહિતી પણ મેળવી લીધી હતી.
ત્યાર
બાદ 2 જૂને સીબીઆઈના મેનેજરની ઓળખ આપી, નકલી
જજ સાથે વાત કરાવી હતી. નકલી જજે તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા છે, એમ પૂછતા મહિલાએ
કહ્યું હતું કે 35 લાખ છે, ત્યારે મહિલાને એક બેંક એકાઉન્ટ નંબર આપીને તેમાં આ પૈસા
વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવાનું જણાવી તફડાવી લીધા હતા.
બાદમાં
3 જૂને પણ મહિલા પર ફરીથી વોટ્સએપ કોલ કરી બેંકમાંથી એફડીના 35 લાખ અને 15 લાખ ટ્રાન્સફર
કરાવી લીધા હતા ત્યાર બાદ મહિલા પાસે બીજા 50 લાખ રૂપિયા માંગ્યા હતા તેથી મહિલાએ
50 લાખ માટે તેમના સંબંધીની મદદ લીધી, ત્યારે તેમના સંબંધીએ તેમને જણાવ્યું હતું કે,
તેમની સાથે ફ્રોડ થયું છે. મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ
શરૂ કરી છે.