દસ જેટલા યુવક-યુવતીની રવિવારે બપોરે 12:30ની ફલાઇટની ટિકિટ કન્ફર્મ થઈ
(ફૂલછાબ
ન્યૂઝ)
પોરબંદર,
તા.21 : શહેર અને આજુબાજુના ગામડાના 19 યુવક-યુવતીને થાઇલેન્ડમાં હોટલ અને હાઉસ કીપીંગની
નોકરીના બહાને ચીટરોએ સાડા ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા ખંખેરીને રસ્તે રઝળતા કરી દીધા
છે. ઇન્ડિયન કોમ્યુનીટીના લોકોએ તેમને ત્યાં મદદ પૂરી પાડી છે તો બીજી બાજુ અમદાવાદની
સંસ્થા દ્વારા તેમની ફલાઇટની ટિકિટની વ્યવસ્થા થઇ રહી છે. જેમાં દસ યુવક-યુવતીઓની ટિકિટ
કન્ફર્મ થઇ ગઇ છે અને બીજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રવિવારે બપોરે 12:30 કલાકે
ફલાઇટમાં તેઓ ભારત આવશે અને રાત્રે 11 વાગ્યે અમદાવાદ પહોંચશે તેમ જાણવા મળ્યુ છે.
મૂળ
પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા એક ઇસમ અને એક પંજાબી શખસ દ્વારા તેઓને બોટલમા ઉતારીને
પટાયા અને બેન્ગકોક ખાતે હોટલ અને હાઉસકીપિંગની
જોબ છે તેમ જણાવીને 50-50 હજાર રૂપિયાનો પગાર આપવાની લાલચ આપીને લાખો રૂપિયા ખંખેરીને
27 એપ્રિલના ત્યાં લઇ જવાયા હતા. બાદમાં કોઇને નોકરી ન અપાતા અને તેમની પાસે રૂપિયા
પણ પૂરા થઇ ગયા હોવાથી ભોજનના પણ ફાંફા પડવા લાગ્યા હતા. તેથી વીડિયો વાયરલ કરીને મદદ
માંગતા ઇન્ડિયન કોમ્યુનીટી મદદે આવી હતી અને ત્યાં હોટલમાં રહેવા જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક
કરી અપાયા બાદ હવે અમદાવાદની સંસ્થા તેમની મદદે આવી છે. એવું જાણવા મળ્યુ છે કે 19માંથી
10 યુવક યુવતીઓની થાઇલેન્ડથી અમદાવાદની રવિવારે બપોરે 12:30 કલાકની ફલાઇટની ટિકિટ કન્ફર્મ
થઇ ગઇ છે અને અન્ય યુવક-યુવતીઓ માટે પ્રયાસો ચાલુ છે. આ યુવાન-યુવતીઓ રવિવારે રાત્રે
11 વાગ્યે અમદાવાદના એરપોર્ટ ખાતે આવી પહોંચશે ત્યારબાદ તેમને પોરબદર મોકલવાની વ્યવસ્થા
પણ કરી આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.