આતંકવાદીઓએ
છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાનાં નાપાક કારસાઓને પાર પાડવા માટે પોતાની જૂની પુરાણી
રીતોને બદલે ચોંકાવતી આધુનિક ટેકનોલોજી વાપરવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને ઈન્ટરનેટનાં
માધ્યમથી તેનાં માટે અનેક કૃત્યો આસાન બની ગયા છે. વૈશ્વિક આતંકવાદી નાણા ભંડોળ ઉપર
નજર રાખતી સંસ્થા એફએટીએફ દ્વારા કરવામાં આવેલા એક નવા ખુલાસામાં કહેવામાં આવ્યું છે
કે, નાણાની હેરાફેરી માટે, ભંડોળ એકઠું કરવા માટે અને હિંસક ઘટનાઓની સૂચનાઓ આપવા માટે
ઈન્ટરનેટનો મોટાપાયે દુરુપયોગ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2019માં ભારતને હચમચાવી નાખતા
પુલવામા આતંકવાદી હુમલા માટે વપરાયેલા વિસ્ફોટક પદાર્થનો અમુક હિસ્સો ઓનલાઈન એટલે કે,
ઈ-કોમર્સ વેબસાઈટ ઉપરથી ખરીદવામાં આવ્યો હતો. આટલું જ નહીં ભૂતકાળમાં અનેક કિસ્સામાં
એવું પણ બહાર આવેલું છે કે, આતંકીવાદીઓએ ઈન્ટરનેટ ઉપરથી જ બોમ્બ બનાવવાનું શીખ્યું
હતું. આ ઘટનાઓ દેખાડે છે કે, ઓનલાઈન સેવાઓનો દુરુપયોગ કેટલી હદે જોખમી અને ખતરનાક બની
ગયો છે. એફએટીએફનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આતંકીઓ પોતાનાં હિંસક અભિયાનો
માટે ઉપકરણો, હથિયાર, રસાયણ અને થ્રીડી-પ્રિંટિંગની સામગ્રીઓ પણ ઓનલાઈન મેળવી રહ્યાં
છે. આમ તેમના મનસૂબાને અંજામ ન મળે તે માટે ઈન્ટરનેટ ઉપર તીક્ષ્ણ નજર રાખવી જરૂરી બની
જાય છે. ઈન્ટરનેટ ઉપર એકંદરે નિરીક્ષણનું તંત્ર વામણું હોવાનાં કારણે ભવિષ્યમાં આનો
ગેરઉપયોગ થતો રોકાશે તેવી કોઈ ખાતરી મળી શકતી નથી. ઈન્ટરનેટ ઉપર વિસ્ફોટક પદાર્થ તૈયાર
કરવાની ટેકનિક સંબંધિત જાણકારીઓ હોવી પણ ચિંતાનો વિષય છે. સરકાર અને સંબંધિત એજન્સીઓએ
આ દિશામાં નક્કર પગલાં ભરવા જ પડશે. આવી જ રીતે ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મની
પણ જવાબદારી બને છે કે તે પોતાનાં મંચ ઉપર ચડતી સામગ્રીઓ ઉપર નજર રાખે.
એફએટીએફનો
એ ખુલાસો પણ મહત્વનો છે કે, આતંકી જૂથોને કેટલાક દેશોની સરકારો પાસેથી જ નાણાકીય મદદ
મળી રહી છે. આ સિવાય તેમને સાધન-સરંજામ અને સામગ્રી સહિતની સુવિધાઓ પણ પૂરી પાડવામાં
આવી રહી છે. ભારત સહિતનાં અનેક દેશો આતંકવાદનાં સફાયા માટે સંગઠિત પ્રયાસો માટે ભાર
તો મૂકી રહ્યાં છે પણ કેટલાક નફ્ફટ દેશો દ્વારા આતંકવાદીઓને પોષવાનો પલીતો ચાંપવામાં
આવી રહ્યો છે. આ પહેલા જૂનમાં પણ એફએટીએફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પહલગામ આતંકવાદી
હુમલો કોઈની આર્થિક મદદ વિના અસંભવ જ હતો. આમ, ફરીથી પાકિસ્તાનનો નાપાક ચહેરો ઉઘાડો
તો પડી ગયો છે. જો કે આના હિસાબે આવનારા સમયમાં પાકિસ્તાન સામે દુનિયાનાં દેશો દ્વારા
કોઈ સખત કાર્યવાહી કરવામાં આવે તેની પણ કોઈ ખાતરી નથી. અમેરિકા સહિતના દુનિયાનાં પ્રત્યેક
શક્તિશાળી દેશો પોતાની કૂટનીતિ અને હિતોને ધ્યાને રાખીને પાકિસ્તાનનાં થાબડભાણા કરવા
પડે ત્યાં કરતાં જ રહે છે.