• શુક્રવાર, 11 જુલાઈ, 2025

ગુજરાતની પુલ દુર્ઘટના

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી ઘટનાનાં પોણા ત્રણ વર્ષે ગુજરાતને આવી વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે. મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચે મુખ્ય કડીરૂપ ગંભીરા પુલનો વચલો હિસ્સો બુધવારે સવારે ધરાશાયી થતાં નવ જણનાં મોત નીપજ્યાં છે અને 10થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના પાદરા અને જંબુસર વચ્ચે મહિસાગર નદી પરનો બ્રિજ જર્જરિત હતો છતાં વાહન વ્યવહાર માટે બંધ કરવાની તંત્ર દ્વારા પરવા ન થતાં અનેક જિંદગી છીનવાઈ ગઈ છે, સવારે વાહન વ્યવહાર ચાલુ હતો ને પુલના વચ્ચેના ભાગ સાથે સાતેક વાહન નદીમાં ખાબક્યાં.

ગુજરાત સરકારે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આઘાત અને દુ:ખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારોને રૂા. ચાર લાખ અને ઘાયલોને 50 હજાર વળતર જાહેર કરવામાં આવ્યું છે. આવા બનાવ વખતે સવાલો ઊઠે એ સ્વાભાવિક છે. મોરબીના બનાવ પછી જર્જરિત પુલોની સમીક્ષા કરીને તેને સલામત બનાવવાનાં વચનો અપાયાં હતાં એ મુજબ ગંભીરા પુલ નવો બનાવવાની વાત હતી, તો પછી આટલો વિલંબ શા માટે? વિરોધ પક્ષ કૉંગ્રેસ અને આપ પાસે સરકારને ભીંસમાં લેવાનું હથિયાર આવી ગયું છે. નિ:સંદેહ સરકારની જવાબદેહિતા બને છે. માર્ગ અને મકાન વિભાગ અબજો રૂપિયાનું નિયમન કરે છે અને તેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો રોજિંદા છે. કમનસીબીની વાત છે. ભૂલ એ પણ છે કે, જાહેર ઉપયોગના માર્ગો, પુલના રખરખાવ માટેની યંત્રણા હોવા છતાં કામગીરી કેમ દેખાતી નથી હોતી! આવા મોટા પુલનું આયુષ્ય 80થી 100 વર્ષનું મનાતું હોય છે, તો અડધી સદીએ પણ ન પહોંચેલો પુલ જર્જરિત કેમ બની ગયો? આમાં જે-તે સમયે થયેલાં કામોની ગુણવત્તા અને મેન્ટનન્સની કામગીરીની ગુણવત્તા પણ શંકાના દાયરામાં આવે એ સ્વાભાવિક છે.

એક પ્રશ્ન એ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, જર્જરિત પુલોના ઇન્સ્પેક્શન પછીના અહેવાલમાં શું ભલામણ કરવામાં આવી હતી? તેનો અમલ કેટલો થયો? આ લખાય છે, ત્યારે ગંભીરા દુર્ઘટના પર રાજકારણ ગરમાયું છે. પૂર્વ ઇજનેરોનો સ્પષ્ટ મત છે કે, મહત્ત્વના રિપોર્ટ અૉનલાઇન ઉપલબ્ધ બતાવીને સરકારે પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આમ થશે તો ફરજમાં કથિત બેદરકારી અને ભ્રષ્ટાચાર પર રોક લાગવી શક્ય બનશે.

દુર્ઘટના સર્જાવી કોઈના હાથની વાત નથી હોતી, પરંતુ તેની સભાવના ઇંગિત થઈ ગયા પછી એ નિવારી લેવી જોઈએ. ગંભીરા પુલ તૂટવાના બનાવનો બોધપાઠ એ જ હશે કે, ગુજરાતમાં જ્યાં-જ્યાં આવા નબળા પુલ, ઇમારતો, હૉસ્પિટલો, રસ્તા છે તેની મજબૂતાઈ ચકાસવાની દરકાર લેવાય. આખરે આ લોકોના વિશ્વાસનો સવાલ છે. વિના કારણે અણધારી આફત વચ્ચે અને હસતા-રમતા પરિવાર પર આભ તૂટી પડે એની પીડા અસહ્ય હોય છે. તંત્રે સંવેદનશીલતા સાથે આ વાત સમજવી રહી.

સરકારે આ બનાવની તપાસ ઝડપી અને કોઈની શેહશરમ રાખ્યા વિના થાય તથા જવાબદારોને આકરી સજા મળે, એ સુનિશ્ચિત કરવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક