મરાઠી
ભાષાનાં ગૌરવ, મહત્ત્વ અને મહત્તા અંગે કોઈ વિવાદ -બેમતનો પ્રશ્ન નથી અને તે સ્વીકારાયા
બાદ સંઘર્ષ-વિખવાદનો પ્રશ્ન પણ હોવો નહીં જોઈએ. પણ મીઠાઈની એક દુકાનના માલિકને મરાઠીમાં
નહીં બોલવા બદલ મનસેના કાર્યકરોએ થપ્પડ માર્યા. તેની અસર- પ્રત્યાઘાતના પડઘા હજુ સંભળાઈ
રહ્યા છે! વ્યાપારી સંગઠને આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યા પછી મનસે અને ઉદ્ધવ સેનાના
કાર્યકરોએ ‘જવાબી’ વિરોધ પ્રદર્શન કરીને ‘એકતાની શક્તિ’ બતાવી છે. સદ્ભાગ્યે હિંસાચાર
થયો નથી પણ કાનૂન-વ્યવસ્થા જાળવવાનો સવાલ છે. પોલીસની મનાઈ છતાં શક્તિ પ્રદર્શન થયાની
ટીકા થઈ છે. ખુલાસો એવો થયો છે કે પોલીસે માત્ર માર્ગ બદલવા કહ્યું હતું, મનાઈ કરી
ન હતી. ગમે તેમ પણ હવે આ ઘટનાનો વિવાદ આગળ વધારવાની જરૂર નથી.
શનિવારે
યોજાયેલા ‘િવજય ઉત્સવ’માં રાજ ઠાકરેએ કાર્યકરોને સલાહ આપી હતી કે, ‘વીડિયો ઉતારવા નહીં’
અને ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું કે, ‘હા, અમે ભલે ગુંડા છીએ’ આ પછી હવે કાર્યકરોને સંયમ
રાખવાની સલાહ આપવી જોઈએ. મરાઠી ભાષાનું ગૌરવ વધારવા માટે સંઘર્ષ કરતાં સંયમ વધુ ઉપયોગી
છે. આમ પણ, દેવેન્દ્ર ફડણવીસ સરકારે મૂળ બન્ને આદેશ પાછા ખેંચી લીધા છે અને શિક્ષણનીતિમાં
ત્રીજી વૈકલ્પિક ભાષા અંગે નિષ્ણાત સમિતિ નીમાઈ છે તેની રાહ જોવી જોઈએ. જૂના આદેશ પાછા
ખેંચાવીને ‘િવજય’ મળ્યો, વિજય ઉત્સવ ઊજવાયો તે પછી હવે શેરીઓમાં સંઘર્ષથી કાયદો-વ્યવસ્થા
કથળે અને રાજકીય વિખવાદમાં મહાનગર મુંબઈનું જનજીવન ખોરવાઈ જાય તે આપણા હિતમાં નથી,
એમ કાર્યકરોને સમજાવીને શાંત પાડવા જોઈએ. આ જવાબદારી નેતાઓની છે.
હિન્દી
ભાષાના વિવાદમાં ઇન્ડિ મોરચો અને મહારાષ્ટ્ર આઘાડીના પરિવારમાં મતભેદ છે, તો મહાયુતિના
મનભેદ પણ બહાર આવ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના પ્રધાન પ્રતાપ
સરનાઈકે રાજ્ય સરકારની ટીકા કરી છે. મરાઠી મોરચાની મનાઈ ફરમાવાઈ તેનો વિરોધ કરીને કહ્યું
કે, લોકતંત્રમાં અમારો અધિકાર છે. પોલીસે કોઈ રાજકીય નેતા અથવા પાર્ટીનો આદેશ માનવાની
અને પાલન કરવાની જરૂર નથી. વિરોધ મોરચામાં જોડાતા કાર્યકરોને અટકાયતમાં લઈ શકાય નહીં.
‘હું પ્રથમ મરાઠી માણૂસ અને પછી વિધાનસભ્ય છું’ એમ કહીને વિરોધમાં જોડાયેલા મહારાષ્ટ્ર
રાજ્યના પ્રધાન પ્રતાપ સરનાઈક ઉપર બાટલીઓ ફેંકાઈ અને હુરિયો બોલાવાયો. આ વિરોધ-રોષ
શિંદે સેના સામે વ્યક્ત થયો છે!
બીજી
બાજુ, ભાજપના સંસદસભ્ય નિશિકાંત દુબેએ મહારાષ્ટ્રથી બહાર આવો... પટક પટક કે પિટેંગે
- એમ કહેવાની જરૂર નહોતી. આ સમય આવી ચડસા-ચડસી અને ધાકધમકીનો નથી. મુંબઈ મહાનગર છે
- ભારતનું વ્યાપારી પાટનગર છે. પચરંગી નહીં-વિવિધ રંગી છે. ત્યારે ફરીથી મુંબઈકરને
કહેવા દો - ‘આઈ લવ મુંબઈ...’