બરાબર
એક દાયકાના અંતરાલ પછી ગુજરાતમાં રાજકીય- સામાજિકક્ષેત્રની સપાટી પર પાટીદાર એક્તાની
વાતો દેખાઈ રહી છે. આ દસ વર્ષ દરમિયાન પણ પટેલ સમાજે વિવિધ કાર્યક્રમો, સંસ્થાઓના માધ્યમથી
યોજેલા પ્રકલ્પો નોંધપાત્ર રહ્યા છે. પરંતુ પાટીદાર અનામત આંદોલનના સૌ નેતાઓ પુન: એક
મંચ ઉપર એકઠા થઈ રહ્યા છે. 2015માં હાર્કિદ પટેલ નામના નવલોહિયા નેતાને મંચ ઉપર મૂકીને
આ આંદોલન ચલાવાયું હતું. એક દાયકામાં તો ગુજરાતની રાજકીય આબોહવા બદલાઈ ગઈ.
હાર્દિક
પોતે પણ આંદોલનના મંચ ઉપરથી ભાજપના ચૂંટણીમંચ પર થઈને ધારાસભામાં જતા રહ્યા છે. એક
દાયકે પુન: સામાજિક એક્તા નિમિત્તે પટેલ નેતાઓ એકસાથે જોવા મળ્યા છે.
ગુજરાતની
સ્થાપના પછી થયેલા વિવિધ આંદોલનોમાં 2015માં થયેલું પાટીદાર અનામત આંદોલન ઉલ્લેખનીય
રહ્યું હતું. પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં આનંદીબહેન પટેલને તે સમયે રાજકીય નુકસાન
સહન કરવાનો વારો આવ્યો હતો. સાવ સામાન્ય લાગી રહેલી માગણીનો વ્યાપ અને ઉગ્રતા વધી,
2002 પછી ગુજરાતની જનતાએ કર્ફ્યૂ નહોતો જોયો તેવો દાવો કરતી ભાજપ સરકારે કર્ફ્યુનો
ચુસ્ત અમલ કરવો પડયો હતો. ગુજરાતને એક સામાજિક આંદોલને કેટલાક યુવાનેતા આપ્યા હતા.
તે સમયે પાટીદારોની મુખ્ય માગણી નોકરી સહિતની બાબતોમાં જે અનામત બેઠકો છે તેમાં તેમને
સમાવવાની હતી. જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી ઉપર અને 2017ની વિધાનસભા ચૂંટણી ઉપર
પણ તે આંદોલનની અસર સ્પષ્ટ દેખાઈ હતી.
આજે
હવે પાટીદાર સંગઠનો, નેતાઓ ફરી એક મંચ ઉપર આવ્યા છે. સામાજિક, શૈક્ષણિક રીતે સદ્ધર
થવા તો આ સમાજ સક્ષમ છે.પાટીદાર અનામત આંદોલનના નેતાઓનું લક્ષ્ય રાજનીતિમાં તેમના સમાજને
પૂરતું માન અને સ્થાન મળે તે છે. અલબત્ત શનિવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જે ચર્ચા
થઈ તેમાં વ્યાજખોરી ઉપર પ્રતિબંધ, ઓનલાઈન જુગારની મોબાઇલ એપ ઉપર નિયંત્રણની વાત આવી
હતી. ઉપરાંત યુવક-યુવતી પ્રેમલગ્ન કરે તો માતા-િપતાની સંમતિ લે તેના માટે સરકારે આગળ
આવવું જોઈએ તે મુદ્દો પણ ચર્ચાયો હતો. આ ફક્ત પાટીદાર સમાજના મુદ્દા નથી એટલે તેને
આંદોલનના પાર્ટ-2ની ભૂમિ માનવું યોગ્ય નથી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદનું
નામ બદલીને સરદારધામ કરવાની માગણી પણ કરાઈ છે. આ પ્રશ્ન પણ ફક્ત પાટીદાર સમાજનો નથી.
સૌએ આમાં જોડાવું જોઈએ. ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી બનેલી ઘટનાઓને અનુલક્ષીને આ બેઠકમાં
એવી ચર્ચા થઈ કે ગોંડલને સરકાર ભયમુક્ત જાહેર કરે. એક સમય હતો જ્યારે ક્ષત્રીય અને
પાટીદાર રાજકારણ ગોંડલ વિસ્તારમાં ચરમસીમાએ હતું એક લાંબો અરસો આ સ્થિતિ રહી નહોતી.
આજે ફરી ગોંડલમાં ભયનો માહોલ છે તેવું કેટલાક પાટીદારોને લાગી રહ્યું છે. આ વર્ષના
અંતે રાજ્યમાં વિવિધ મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. 2027માં પુન: વિધાનસભાની ચૂંટણી આવશે.
તે પુર્વે રાજકીય પક્ષોના નેતૃત્વનું, સરકારનું ધ્યાન ખેંચવું આવશ્યક લાગ્યું હશે તેથી
કદાચ આ બેઠકનું આયોજન થયું હશે. જો કે હવે અનામત આંદોલન અગાઉ જેવું જલદ બને તેવી શક્યતા
લાગતી નથી. 2007ની વિધાનસભાની ચૂંટણીથી પાટીદાર
સમાજ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કોઈને કોઈ રીતે એક્તા દર્શાવી રહ્યો છે. આ વખતે ગોંડલ પાટીદાર
સંસ્થાઓ, સમાજ માટે કદાચ મુખ્યમુદ્દો હશે જો કે રાજકીય રીતે તેવું થાય છે કે નહીં તે
નક્કી કહેવાય નહીં કારણ કે રાજનૈતિક દૃષ્ટિકોણ તો સમાજથી અલગ પણ હોઈ શકે. કઈ પાર્ટીને
ક્યારે કોની જરૂર પડે છે તેના ઉપર આવી બાબતોનો આધાર છે.