સમાજના કોઈ પણ વયજૂથના સભ્યની સામે અત્યાચાર કે શોષણને આધુનિક સમયમાં સ્થાન હોવું જોઈએ નહીં, પણ એક વિટંબણા છે કે, મહિલાઓ અને બાળકોને સૌથી વધુ શોષણ, હિંસા અને અત્યાચારનો ભોગ બનવું પડે છે. કુમળી વયનાં બાળકોને જે રીતે શારીરિક, માનસિક કે ભાવનાત્મક રીતે ઠેંસ પહોંચાડવામાં આવે તેની તેમના મનોપટલ પર મોટી અસર રહેતી હોય છે. આમ તો વિશ્વના મોટાભાગના દેશોમાં બાળકોને હિંસા, શોષણ અને દુવ્યવહારથી બચાવવાના કાયદા અસ્તિત્વમાં છે, પણ આ કાયદાના અમલમાં પૂરતું ધ્યાન આપતું ન હોવાને લીધે બાળકોની સામે ગુનાનાં પ્રમાણમાં સતત વધારો થતો રહ્યો છે.
બાળકોની
સામે ગુનાના સંદર્ભમાં તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલની વિગતો ચિંતા વધારે
તેવી છે. ગયા વર્ષે બાળકોની સામે હિંસા અને અન્ય ગુનાની સંખ્યા અભૂતપૂર્વ સ્તરે પહોંચી
ગઈ છે. વર્ષ 2023ની સરખામણીએ 2024માં આ ગુનામાં 2પ ટકા જેટલો વધારો નોંધાયો છે. આમ
તો દર વર્ષે આ ગુના વધતા રહે છે, પણ આટલો મોટો ઉછાળો સૌપ્રથમ વખત નોંધાયો છે. આ અહેવાલ
મુજબ બાળકોની વિરુદ્ધ 41,370 ગુના નોંધાયા છે. આમ તો આ સંખ્યા બહુ વધુ હોવાની પૂરી
શક્યતા છે, પણ જે ગુના વિવિધ દેશના ચોપડા સુધી પહોંચી શક્યા છે તેની સંખ્યાનો અહેવાલમાં
ઉલ્લેખ કરાયો છે. લાન્સેટ જર્નલના એક અહેવાલ
મુજબ 1990થી 2023 વચ્ચેના ગાળામાં વિશ્વના
200થી વધુ દેશમાં બાળકોની સામે યૌન હિંસાના કિસ્સા વધ્યા છે. આમાં સૌથી વધુ સમાનતા
ધરાવતી બાબત એ છે કે, બાળકોના યૈનશોષણના કિસ્સામાં વાલીઓ પોલીસ પાસે જઈને ફરિયાદ કરવાનું
ટાળતા હોય છે. સ્પષ્ટ છે કે, વાલીઓના આ ખચકાટને લીધે બાળઅપરાધના કિસ્સા પોલીસ કે સંબંધિત
એજન્સીઓ સમક્ષ સાચી સંખ્યામાં પહોંચતા જ નથી.
ઉલ્લેખનીય છે કે, દુનિયાના સંઘર્ષરત દેશમાં બાળકોની હાલત એકદમ કફોડી છે. ખાસ
તો ગાઝા વિસ્તારમાં ઈઝરાયલે હમાસની સામે છેડેલા જંગને લીધે સર્જાયેલી તારાજીમાં બાળકો
પોતાનું બાળપણ ગુમાવી રહ્યા છે. તેમને અપોષણ
અને માનસિક જોખમનો ભોગ બનવું પડી રહ્યંy છે. આવી હાલત યુક્રેનની બની રહી છે. આ યાદીમાં
હવે ઈરાન પણ જોડાઈ શકે છે. તારાજીને લીધે વિસ્થાપન અને તેનાં પરિણામે શિક્ષણનાં માળખાંના
અભાવને લીધે બાળકોનાં ભાવિ સામે જોખમ ઊભું થયું છે. સાથોસાથ હુમલામાં ઘવાતા કે પોતાના
પરિવારના સભ્યની ખુવારીને જોઈ ચૂકેલાં કુમળાં બાળકોની માનસિક હાલતની દરકાર કરવાની કોઈ
યોગ્ય વ્યવસ્થા ઊભી થઈ નથી. ખૈર તો દુનિયાના દેશોએ અને યુનીસેફ જેવી વૈશ્વિક સંસ્થાઓએ
બાળકો માટે સલામત વાતારવણ ઊભું કરવા અને તેને જાળવવાની જવાબદારીને વધુ ગંભીરતા સાથે
વહન કરવાની જરૂરત છે. સંઘર્ષ સિવાયના દેશોમાં બાળકો અને વાલીઓને તેમના અધિકારો પ્રત્યે
જાગૃત કરવા માટે પણ ધ્યાન અપાવું જોઈએ. કોઈ દેશ માટે બાળકો સામેના અપરાધ કાળી ટીલી
સમાન ગણી શકાય.