• મંગળવાર, 01 જુલાઈ, 2025

કોકટીના 50 વર્ષ : ઘણું ભૂલાયું નથી, ભૂંસાયું નથી

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કાળી ટીલી સમાન કટોકટીના દમનકારી નિર્ણયને બુધવારે પ0 વર્ષ થયા ત્યારે આખા દેશે ઈન્દિરા ગાંધી અને તેના કોંગ્રેસ પક્ષના કાળા કારનામાને એકી અવાજે વખોડી નાખ્યો.  બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આ કાળા દિવસને વખોડતો ખાસ ઠરાવ પસાર કરીને દેશની લાગણીનો સીધો પડઘો પાડયો હતો. કેન્દ્રીય મંત્રીમડળના વરિષ્ઠ સભ્યોએ લોકશાહી અને બંધારણની હત્યાને દેશ કદી વિસારી શકશે નહીં એવો મત વ્યક્ત કર્યો હતો.  દેશની આ લાગણીને માન આપીને પ0 વર્ષ અગાઉના અત્યાચારી નિર્ણયને વખોડવાના સ્થાને કોંગ્રેસે દેશમાં હાલે કટોકટી જેવી સ્થિતિ હોવાનો આરોપ મૂક્યો છે.

કેન્દ્રીય મંત્રીમંડળને બેઠકમાં વડાપ્રધાન મોદીએ તે સમયની કોંગ્રેસ સરકાર પર લોકશાહીને બાનમાં લેવાઈ હોવાનો ખાસ ઉલ્લેખ કરીને અખબારી સ્વતંત્રતાનો ખાતમો કરાયો હતો તથા નેતાઓ અને સામાજિક આગેવાનોને જેલમાં પૂરીને તેમના પર અપાર અત્યાચાર કરાયો હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં કટોકટીને લોકશાહીની હત્યા ગણાવતો ઠરાવ પસાર કરીને બે મિનિટનું મૌન રખાયું હતું. કેન્દ્રીય મંત્રીમંડળના આ ઠરાવ ઉપરાંત દેશભરમાં બેઠકો અને ચર્ચાસભાઓ યોજાઈ રહી છે જેમાં કટોકટીની યાદોને વાગોળવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે ભારે મજબૂત લોકશાહી ધરાવતા ભારતમાં પ0 વર્ષ અગાઉ તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી.  તે સમયે તેમણે બહારી પડકારોનું કારણ આગળ ધર્યું હતું. પણ વાસ્તવમાં તેમની ચૂંટણી અંગે અલ્હાબાદ વડી અદાલતના પ્રતિકૂળ ચુકાદા બાદ વડાપ્રધાનપદ બચાવવા તેમણે લોકશાહીને કાળી ટીલી લગાડી હતી. કટોકટીના સમયગાળા દરમ્યાન અખબારી સ્વાતંત્ર્યને છેદ ઉડાડી દેવાયો હતો અને ઈન્દિરા ગાંધીના રાજકીય કે સામાજિક ટીકાકારોને જેલમાં બંધ કરી દેવાયા હતા.

આ વખતે પ0મી વરસીએ પણ કોંગ્રેસે હાલના શાસનકાળને વણજાહેર કટોકટી સાથે સરખાવીને પોતાની નાલેશી દર્શાવી છે.  કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જન ખડગે અને મહામંત્રી જયરામ રમેશના દાવા તો એવા છે કે હાલે લોકશાહી પર પાંચગણા વધુ હુમલા થઈ રહ્યા છે. 

વિટંબણા એ છે કે કટોકટીના સમયે અત્યાચારનો ભોગ બનેલા અમુક નેતાઓ અને તેના રાજકીય પક્ષો હવે વિપક્ષમાં રહીને હવે કોંગ્રેસની ભાષામાં સૂર પુરાવવાનો જરા પણ છોછ અનુભવતા નથી.  તેઓ રાજકીય હિતો માટે પોતે અનુભવેલી ત્રાસદીને વિસરી જાય એ આપણી લોકશાહી માટે શરમજનક ગણી શકાય. ખરેખર આપણી લોકશાહીને પરિપક્વતા અને આદર્શ સ્થિતિ પામવામાં હજુ લાંબો પંથ કાપવાનો બાકી હોવાની કડવી વાસ્તવિકતા સામે આવી છે.

આજે પણ કટોકટી કાળને યથાર્થ ગણાવનાર એક વર્ગ છે. પ્રશાસનમાં અનુશાસન, સમયપત્રકનું પાલન, મોંઘવારી ઉપર નિયંત્રણ સહિતના ફાયદા ગણાવાઈ રહ્યા છે. માધ્યમો માટે આજે જેમના મનમાં ઉચાટ કે ફરિયાદ છે તેઓનો અભિપ્રાય અલગ છે. તેમ છતાં ‘આપાતકાલ’ને ક્યારેય યોગ્ય તો લેખી શકાય જ નહીં. લોકશાહી શાસન પ્રણાલીમાં આ સ્થિતિ ચલાવી શકાય નહીં. ઉલટું કાળજી તો એ લેવાની છે કે આજે પરિપક્વ બનેલ સાત દાયકા વટાવી ચૂકેલી આપણી લોકશાહીને કોઈની નજર લાગે નહીં.

 

ઇ-પેપરના નવા શુલ્ક