ભારતની સુરક્ષાનીતિ જ નહીં પરંતુ સમગ્ર વિદેશનીતિ કેટલી તીક્ષ્ણ અને સ્પષ્ટ છે તેનો પરિચય નહીં પરંતુ પરચો શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં રક્ષામંત્રીએ આપી દીધો. આતંકવાદની સામે ભારત આક્રમક મિજાજથી લડી રહ્યું છે, લડતું રહેશે અને તેમાં કોઈના બેવડાં ધોરણ સાંખી લેવાશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ બે પડોશી- ચીન અને પાકિસ્તાનને દેશના રક્ષામંત્રીએ આપી દીધો છે. ચીની પ્રભાવવાળા શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારતે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના વલણમાં અમારી સંમતિ નથી. ભારતની સ્પષ્ટ વિચારધારાને લીધે સંયુક્ત નિવેદન જાહેર થયું નહીં આ જ ભારતની એક પ્રકારે જીત છે. પાકિસ્તાન અને ચીનની નીયત પણ જગતના મંચ ઉપર ઊઘાડી પડી ગઈ.
ચીન
તો જો કે આતંકવાદ વિરુદ્ધ વિશેષત: પાકિસ્તાન પ્રેરિત પ્રવૃત્તિઓ સામે કૂણું વલણ દર્શાવી
ચૂક્યું છે. સૈન્ય, ટેક્નોલોજી સહિતની બાબતે સક્ષમ હોવા છતાં ભારતે નિર્ભય બનીને જે
નિર્ણય લીધો તેનાથી એવો સંદેશ ગયો છે કે ભારત પોતાના હિતો સંદર્ભે કોઈ સમાધાનકારી રીત
અપનાવશે નહીં. શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં એક સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કરવાનો
ભારતના રક્ષામંત્રી રાજનાથસિંઘે નનૈયો ભણી દીધો. કારણ એ છે કે તે નિવેદનમાં ક્યાંય
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કોઈ ઉલ્લેખ કરાયો નહોતો. ભારતનો અભિપ્રાય એવો છે
કે શંઘાઇ સંગઠનનું સંયુક્ત નિવેદન આતંકવાદ સામે ભારતનો પક્ષ મજબૂતીથી રાખતું નથી. પહલગામને
બદલે તેમાં બલુચિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શંઘાઈ
કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (શંઘાઈ સહયોગ સંગઠન- એસસીઓ)નું સમ્મેલન વિવિધ દેશોના સંયુક્ત
નિવેદન વગર સમાપ્ત થઈ ગયું. આ સામાન્ય વાત નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય તેની નોંધ ચોક્કસ
લેશે જ. એસસીઓમાં ચીન-પાકિસ્તાન વચ્ચે જે હૂંફાળા સંબંધો દેખાયા તે પછી ભારતે પોતાની
ભૂમિકા માટે વધારે સતર્ક રહેવું પડશે. રશિયાના વલણનું પણ નવેસરથી આકલન કરવું પડશે કારણ
કે યુક્રેન સાથેની લડાઈને લીધે રશિયાનું ચીન ઉપરનું અવલંબન વધી ગયું છે. ચીન જો કે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ સહિતની નીતિઓને લીધે ભારત સાથેના સંબંધ સુધારવા
માગે છે તે અલગ વાત છે પરંતુ આતંકવાદ મુદ્દે તે ભારતના હિતોને જોખમમાં મૂકે, બેવડાં
ધોરણ અપનાવે તે ચલાવી લેવાય નહીં.
અહીં
થોડો અલગ મુદ્દો એ છે કે ચીનની તાકાત સામે ઝૂકીએ નહીં, તેના ઉપર આધાર ન રહે તે માટે
સુરક્ષાની સાથે જ ભારતે પોતાની આર્થિક ક્ષમતા, સદ્ધરતા અને સ્થિરતામાં વધારો કરવાનો
રહેશે. આત્મનિર્ભર ભારતનું સૂત્ર ઝડપથી સાર્થક થવું જરૂરી છે. શંઘાઈ સંમેલનમાં જે વલણ
ભારતે બતાવ્યું તેનાથી ચીન અને અન્ય દેશોને ભારતનો નૈતિક જુસ્સો કેટલો છે તેનો તો ખ્યાલ
આવી જ ગયો છે.