ઈરાન
અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ હોવાની જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પે કરી ત્યારે વિશ્વના અન્ય દેશોની જેમ ખુદ ઇઝરાયલ અને ઈરાનને પણ આશ્ચર્ય થયું
હોવાના અહેવાલ છે! ટ્રમ્પે જ્યારે સોશિયલ મીડિયા ઉપર
યુદ્ધવિરામની
જાહેરાત કરી ત્યારે આ બન્ને દેશો સામ સામા મિસાઈલ્સનો મારો ચલાવતા હતા! અને ટ્રમ્પે
જાહેર કર્યું કે “ઈરાન અને ઇઝરાયલ બંને મારી પાસે આવ્યા - લગભગ સાથોસાથ - અને શાંતિની
ઝંખના કરી ત્યારે મને લાગ્યું કે અત્યારે જ ખરો સમય છે. આ વિજય મધ્યપૂર્વ અને વિશ્વનો
છે.’’
આવી
જાહેરાત થયા પછી પણ યુદ્ધ જારી હતું. શક્ય છે કે વિરામ પહેલાં બંને દેશ શક્ય તેટલું
નુકસાન ‘દુશ્મન’ને કરવા માગતા હતા, પણ યુદ્ધવિરામના ‘આદેશ’નો ભંગ થતો જોઈને ટ્રમ્પ
ધૂંધવાઈ ઊઠયા અને ઇઝરાયલ - જે અમેરિકાનું વિશ્વાસપાત્ર સાથીદાર છે તેને જાહેરમાં સખત
શબ્દોમાં ઠપકો આપ્યો કે તમારાં જેટ વિમાનોને પાછાં બોલાવો - હવે બૉમ્બમારો કરવાની જરૂર
નથી. ટ્રમ્પે જાહેરમાં જે શબ્દપ્રયોગ કર્યો તે સભ્યસમાજને રુચિકર નથી પણ ટ્રમ્પે બંને
દેશો ઉપર પોતાનો રોષ ઠાલવ્યો અને પછી હળવા થયા પછી કહ્યું કે આ બંને દેશો માટે પ્યાર,
શાંતિ અને સમૃદ્ધિનો ઘણો અવકાશ છે - તેનો લાભ લેવો જોઈએ.
બંને
દેશોએ યુદ્ધવિરામનો ભંગ કર્યો હોવાનું ટ્રમ્પે કહ્યું. જોકે, યુદ્ધવિરામની શરતો જાહેર
થઈ નથી. આ દરમિયાન ઈરાનના પ્રમુખે બાર દિવસના ભયંકર યુદ્ધ - જે ઇઝરાયલે શરૂ કર્યું
હતું તેના અંતની જાહેરાત કરી. વાસ્તવમાં બંને દેશો વિધિસર સ્વીકાર કરે તે પહેલાં જ
ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી અને જાહેરાત થયા પછી ઈરાને કહ્યું છે કે જો ઇઝરાયલ સમજૂતીનો
ભંગ નહીં કરે તો અમે પણ ભંગ નહીં કરીએ. ઇઝરાયલે કહ્યું છે કે જો ઈરાન જરા પણ ‘હુમલો’
કરે તો અમે વધુ સખત સજા કરીશું.
ઈરાનના
અણુશક્તિ વિભાગના વડા મોહમ્મદ ઈસ્લામીએ કહ્યું કે અમારા અણુશક્તિ વિકાસ કાર્યક્રમને
કેટલું નુકસાન થયું છે તેનો અમે ક્યાસ કાઢીએ છીએ અને તે સુધારીને ફરીથી શરૂ કરવાની
તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે બીજી બાજુ ટ્રમ્પ કહે છે - હવે ઈરાન તેનાં અણુશક્તિ કેન્દ્રો
કદી ફરીથી શરૂ નહીં કરે...
અત્યારે
તો આ બંને દેશોની પ્રજા સાથે સમસ્ત વિશ્વના લોકોએ હાશકારો અનુભવ્યો છે અને નિરાંતનો
શ્વાસ લીધો છે પણ આ સમજૂતી કેટલી ટકશે? શરતો કઈ છે? તેની વિગતો જાહેર થયા પછી આ વિરામ
છે કે પૂર્ણવિરામ? તેનો અંદાજ આવી શકશે.
ડોનાલ્ડ
ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કર્યો હતો. પણ યુક્રેન-રશિયા
અને ગાઝામાં યુદ્ધ બંધ કરાવી શક્યા નથી. રશિયાના પુતિને તો ઈરાનને-મધ્યસ્થીની અૉફર
પણ કરી હતી. આ શાંતિ રેસમાં ટ્રમ્પ આગળ નીકળી ગયા. હવે એમને નોબેલ શાંતિ એવો એવૉર્ડ
મળે તો પાકિસ્તાનના મુનીર યશ મેળવવા દાવો કરી શકે?