• મંગળવાર, 01 જુલાઈ, 2025

કળા-અભિવ્યક્તિનો અકારણ વિરોધ શા માટે ?

અભિવ્યક્તિ સ્વતંત્રતાના મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં આપેલી સલાહ આખા દેશે લાંબા સમય સુધી અનુસરવા જેવી છે. ફિલ્મો, ટેલીસિરીયલો કે અન્ય કોઇ માધ્યમોમાં દર્શાવાતી કે મુદ્રણ માધ્યમોમાં પ્રકાશિત સામગ્રી સામે કોઇપણ કારણ વગર ‘છાજિયા લેવાની’ એક મોટા સમુદાયની ટેવ ઉપર આ અગત્યનું નિયંત્રણ છે. કર્ણાટક સરકારને સુપ્રીમ કોર્ટે કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઇફ’ના પ્રદર્શન સામે ઉઠેલા વિરોધ સંદર્ભે જે કહ્યું તે અને સંસ્થા, સંગઠન, પક્ષે ગાંઠે બાંધવા જેવું છે.

‘ઠગ લાઇફ’ ચલચિત્રના પ્રદર્શન પૂર્વ દક્ષિણ ભારત- હિન્દી સિનેમાના પ્રસિધ્ધિપ્રાપ્ત કલાકાર કમલ હાસન એવું બોલ્યા હતા કે કન્નડ ભાષાની જનની તામિલ છે. દક્ષિણ ભારતીયોનો રોષ ભભૂકી ઉઠયો. ટોળાં રસ્તા ઉપર આવ્યાં. ફિલ્મનું પ્રદર્શન ક્યાંય ન થાય એવી માગણી થઇ. કર્ણાટક ઉચ્ચ ન્યાયલયે કહ્યું, ફિલ્મ સ્ટારે ક્ષમા માગવી જોઇએ.

સર્વોચ્ચ અદાલતનું વલણ અલગ રહ્યું એમ કહીએ કે સર્જનાત્મક પ્રવૃત્તિ કરનારાઓ માટે આશ્વાસન આપનારું રહેતું કોર્ટે એવું કહ્યું કે પ્રજાની લાગણી દુભાઇ જવી આપણા દેશમાં આશ્ચર્યની વાત નથી.

વારંવાર આવું બને છે. તેથી ફિલ્મની રજૂઆત રોકી શકાય નહી. વિરોધ તો થાય તેથી કવિતાનું પઠન, સ્ટેન્ડઅપ કોમેડી એવું કંઇ પણ થોડું બંધ કરી શકાય ?

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયનની બેન્ચે કરેલી આ વાત ફકત એક ફિલ્મ, એક વિરોધ માટે નહીં, અનેક સંદર્ભે અગત્યની છે. આપણે ત્યાં આવી લાગણી દુભાવાની ઘટના રોજિંદી છે. ફિલ્મો ઉપર તો સૌથી વધારે તડાપીટ બોલે છે. ફિલ્મ સર્વ કળાઓનો સમન્વય છે. સમૂહ માધ્યમો પૈકી સૌથી બળુકું માધ્યમ છે.

સામાજિક મર્યાદા, કોઇ સમુદાય વિશેની અભદ્ર વાત ન આવે તે આવકાર્ય છે પરંતુ રાષ્ટ્રવાદ, સંસ્કૃતિ, પરંપરા,  અસ્મિતાના નામે ફિલ્મો સામે ખોટો વિરોધ થાય છે.

એવા અનેક ઉદાહરણ છે જ્યાં વર્ષો પૂર્વેની કોઇ વાતને લીધે આખી ફિલ્મના પ્રદર્શન સામે રોક લગાવાઇ હોય, કુરિવાજો સામે લડવાને બદલે માધ્યમો-કળાની સામે લડવાનું એક બહોળા સમુદાયને વધારે ફાવી ગયું છે.

ફિલ્મ, સાહિત્ય, ચિત્રકળા એ બધા માધ્યમો -કળા વિધાનોને મુક્ત હવા મળે તે આવશ્યક છે. ધર્મ, જ્ઞાતિ, ભાષા જેવી બાબતોને વચ્ચે લાવીને કળાનો વિરોધ કરવો આપણી તાસીર થતી જાય છે. આ ‘ઠગ લાઇફ’ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે અપનાવેલા વલણમાં આશાના કિરણ દેખાય છે.

આ વિવાદ તો ગૃહમંત્રીના વિધાન ઉપર થયો. કોંગ્રેસના વરિષ્ટ નેતા રાહુલ ગાંધીએ કરેલી ટીકાથી થયો એટલે સ્વાભાવિક રીતે વધારે નોંધપાત્ર બન્યો. અન્યથા આપણે ત્યાં ભાષાના વિવાદ ક્યાં ઓછા છે ? દક્ષિણના રાજ્યોનો હિન્દી ભાષા પ્રત્યેનો તીવ્ર અણગમો જાહેર છે. ત્યાં ભાષા માટે સતત વિવાદ થતા રહે છે. અભ્યાસક્રમમાં પણ હિન્દીનો ક્રમ પાછળ છે.

મહારાષ્ટ્રમાં ભાષાપ્રેમ છે તો ભાષાવાદ પણ એક વર્ગમાં છે. થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ -સેનાના નેતા રાજ ઠાકરેએ મરાઠી ભાષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાષા પ્રત્યાયનનું માધ્યમ છે અને પ્રત્યાયનનું કામ જોડવાનું છે, પછી તે બે વ્યક્તિ હોય, દેશ કે બે સંસ્કૃતિ હોય ! આવા વિવાદો ભાષા માટે થાય તે ગ્લાનિ પહોંચાડનારી બાબત છે.

ઇ-પેપરના નવા શુલ્ક